Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વાવાઝોડુ વધે તો એસ.ટી. બસ જ્‍યાં ને ત્‍યાં રોકી દેવીઃ ડેપો મેનેજર દ્વારા ડ્રાઇવર અને કંડકટરને એલર્ટ રહેવા સૂચના અપાઇ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાને લઈ સરકારે દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી દીધી છે. લોકોને સાવચેત રહેવા અને ઘણા લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળવાની છે તેના પગલે તંત્ર સતર્ક થઈ ગયું છે. એસ.ટી ડેપો મેનેજરને સૂચના પણ આપી દેવામાં આવી છે કે, વાવાઝોડું વધે તો બસો રોકી દેવી જેથી ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે.

વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા તમામ લોકોને સાવચેતી રાખવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે અને જરુર પડશે તો વધારે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. જો કે, રાજય સરકાર દ્વારા એસટી ડેપોના મેનેજરને સૂચના આપતા જણાવ્યું છે કે, વાવાઝોડું વધે તો બસો રોકી દેવી જેથી ડેપો મેનેજર દ્વારા પણ ડ્રાઈવર અને કંડક્ટરને એલર્ટ રહેવા માટે આપવામાં સૂચના આપી દેવામાં આવી છે.

આ અંગે એસટી ડેપો મેનેજરે જણાવ્યું કે, રાજ્યમાં ફરી રહેલી બસમાં ફરજ બજાવી રહેલા કંડક્ટર અને ડ્રાઈવરના કોન્ટેક્ટ નંબર રાખવામાં આવ્યા છે. કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવાનું હશે તો આ નંબર ઉપર સંપર્ક કરવામાં આવશે. જેતે વિસ્તારમાં કોઈ પણ બસને મદદ પહોંચાડવાની હશે તો જે તે વિસ્તારના કલેક્ટરનો પણ મદદ માટે સંપર્ક કરવામાં આવશે.

ગીતા મંદિર એસટી ડેપોમાં કન્ટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો

અમદાવાદમાં નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે એસટી તંત્ર એલર્ટ બન્યું છે. ગીતામંદિર એસટી ડેપો ખાતે કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. દક્ષિણ ગુજરાત તરફ જતી બસો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ વાવાઝોડાને પગલે બસ ફસાય તો કંટ્રોલ રૂમ દ્વારા મદદ મળશે. નિસર્ગ વાવાઝોડાને લઈને બસ સેવામાં ઉભી થતી અડચણને લઈને કંટ્રોલ રૂમ કામગીરી કરી રહ્યું છે. કોરોનાની મહામારીને ધ્યાને રાખીને કંટ્રોલ રૂમમાં સ્ટાફની તકેદારી માટે લેવાયા પગલાં છે.

દ. ગુજરાતમાં 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ થવાની શક્યતા

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવી રહેલાં નિસર્ગ વાવાઝોડાંને લઇ હાલમાં બંને રાજ્યમાં તંત્ર સંપૂર્ણ એલર્ટ થઇ ગયું છે. હાલમાં બંને રાજ્યો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ત્યારે હાલમાં સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાની સાથે સાથે ગુજરાતમાં અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે, ‘તમામ આગોતરી કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં તો વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

(5:07 pm IST)