Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને કોંગી ધારાસભ્યો મળ્યા : મોટી હલચલઃ કંઇક રંધાય છે ?

રાજકોટ તા. ૩ :આજે કોંગ્રેસના ૩ ધારાસભ્યો શ્રી કિરીટભાઇ પટેલ (જે ભાજપના શ્રી નરહરિ અમીનની ખૂબ નજીક, ગણાય છે),  સૌરાષ્ટ્રના શ્રી લલીતભાઇ વસોયા અનેશ્રી લલીતભાઇ કગથરા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલને મળતા રાજકીય ગરમાવો આવ્યો છે. આમ તો ખેડૂતોના પ્રશ્ને મળ્યાનું કહેવાય છે પરંતુ રાજય સભાની ચુંટણી નજીક હોય સ્વાભાવિક મોટી ચર્ચા શરૂ થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા માર્ચમાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઈ તે વખતે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ ભાજપના ઈશારે કોંગ્રેસ છોડી ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધેલ. તે વખતે મોકુફ રહેલ રાજ્યસભાની ચૂંટણી ફરી ૧૯ જૂને યોજવાનું જાહેર થયુ છે. હાલ કોંગ્રેસ પાસે ૬૮ ધારાસભ્યો છે. બન્ને પક્ષ માટે એક - બે ધારાસભ્યોના મત નિર્ણાયક બની શકે તેમ છે. ભાજપની નજર હજુ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પર છે. આજે અચાનક કોંગ્રેસના ૩ ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રીને મળતા રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે. ત્રણેયની આજની મુલાકાતનો હેતુ ગમે તે હોય પરંતુ અત્યારના સમય સંજોગો મુજબ રાજકીય ચર્ચાનો ચક્રાવો શરૂ થયો છે.

(4:45 pm IST)