Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સરકાર ધો. ૧ થી ૮ ના પ૦ લાખ છાત્રોને ઘરે અભ્યાસ સામગ્રી પહોંચાડશે

કોરોનાના કારણે વેકેશન લંબાવાનું નિશ્ચિત બનતા પ્રારંભિક એક મહિનાના અભ્યાસના સંયુકત પુસ્તકો તૈયાર થઇ રહ્યા છે : તા. ૮ આસપાસથી શિક્ષકો ઘરે-ઘરે જઇને વિતરણ કરશેઃ ખાનગી શાળાઓ માટે ઓનલાઇન વ્યવસ્થા

ગાંધીનગર, તા. ૩ :. ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિના કારણે શાળાઓમાં ઓછામાં ઓછું જૂન ઉતરાર્ધ સુધી વેકેશન લંબાવવાનું નિશ્ચિત બનતા સરકારે તે સમયગાળાનો વિદ્યાર્થીઓને ઘરે બેઠા ભણાવવા માટે ઉપયોગ કરવાનુ નક્કી કર્યુ છે. સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓના બાળકોને ઓનલાઈન શિક્ષણ શકય નથી તેથી સરકારે ધો. ૧ થી ૮ના મુખ્ય વિષયોના પ્રારંભિક અભ્યાસક્રમની માહિતી તૈયાર કરી એક પુસ્તક સ્વરૂપે ઘરે ઘરે પહોંચાડવાનુ નક્કી કર્યુ છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલિમ પરિષદ દ્વારા અભ્યાસ સામગ્રી તૈયાર થઈ રહી છે. જિલ્લાવાર તેનુ પ્રકાશન કરી ૮ જૂન આસપાસથી શિક્ષકો મારફત વિતરણ થશે.

શિક્ષણ મંત્રાલયના વર્તુળોના જણાવ્યા મુજબ રાજ્યમાં સરકાર અને જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હસ્તક ૩૨૫૦૦ જેટલી પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. ૧.૯૪ લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો છે. બાળકો લેખિત અભ્યાસ સામગ્રીના આધારે ઘરે બેઠા અભ્યાસ કે શૈક્ષણિક પ્રવૃતિ કરી શકે તે માટે સરળ શૈલીમાં દરેક મુખ્ય વિષયના એક કે બે પ્રકરણો આવરી લેવામાં આવ્યા છે. શાળામાં ૨૦ થી ૩૦ દિવસનું ભણતર હોય તેટલી અભ્યાસ સામગ્રી તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ખાનગી શાળાઓ માટે આ જ અભ્યાસક્રમ ઓનલાઈન મુકવામાં આવશે. કોઈ શાળા ઈચ્છે તો તે પ્રિન્ટ કરાવીને પોતાના વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.

સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે એક સરખી અભ્યાસ સામગ્રી તૈયાર કરવામાં આવી છે. વ્યવસ્થા ખાતર તેનુ પ્રિન્ટીંગ જિલ્લાવાર થશે. ૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષકો ઘરે બેઠા શૈક્ષણિક સાહિત્ય પહોંચાડશે. કુલ ૧૬ થી ૩૨ પાના સુધીનું પુસ્તક તૈયાર થઈ રહ્યુ છે. તા. ૮ જૂન આસપાસથી વિતરણ શરૂ થઈ જશે. ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓને શિક્ષકો મારફત છાપેલ અભ્યાસ સામગ્રી ઘરે ઘરે પહોંચાડવાનો પ્રસંગ પ્રથમ વખત આવ્યો છે.

(4:14 pm IST)