Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

વલસાડના જેસપોર- ડુંગરીમાં તળાવની પાળનું ધોવાણ ચોમાસામાં વિકરાળ બને તેવી સંભાવના: તંત્રની નિષ્ક્રિયતા : ખેડૂતોને નુકસાન

તાકીદે સમારકામની જરૂર :ગાબડું વિકરાળ સ્વરૂપ લઈને તળાવ ફાટવાની હદે જતા લાગુ વીસેક ખેડૂતોની ખેતીને ભારે નુકસાન કરશે

વલસાડ તાલુકાના ડુંગરી પાસે જેસપોર ગામ આવેલું છે જ્યાં અંબિકા પેટા વિભાગની પ્રશાખા દ્વારા વચલા અને પટેલ ફળિયા ખાતે ના તળાવમાં નહેરના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે જેની પાળનું ગત ચોમાસામાં ધોવાણ થતાં મોટું ગાબડું પડયું છે જે આ ચોમાસે વધુ વિકરાળ બનવાની સંભાવના હોય ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે.

   પ્રાપ્ત વિગત મુજબ  આ બે તળાવમાં ઉનાળામાં નહેર દ્વારા પાણી લાવી ભરવામાં આવે છે જે પ્રશાખા ભારે જર્જરિત થઈ ગયેલી છે જેની જાળવણી અંબિકા પેટા વિભાગ- વલસાડ  કરતું નથી. નહેરનું પાણી તળાવમાં પાડવા માટે જે પાળ બનાવેલી તે રક્ષિત દિવાલમાં ગાબડા પડયા છે તેનું જો સમારકામ નહીં કરવામાં આવે તો આ ગાબડું વિકરાળ સ્વરૂપ લઈને તળાવ ફાટવાની હદે જતા લાગુ વીસેક ખેડૂતોની ખેતીને ભારે નુકસાન કરશે, અકલ્પ્ય જમીનનું ધોવાણ કરશે

   .ગામના બીપીએલ સરપંચ તથા અગ્રણીઓએ સંબંધિત તંત્રો સમક્ષ રજૂઆતો કરીને સમારકામ માંગ કરી હતી પરંતુ જિલ્લા કલેકટરથી લઈને ધારાસભ્ય કે નહેર ખાતાવાળા કોઈએ દાદ આપી નથી આશ્ચર્યની વાત એ છે કે જેસપોર ગામ ધારાસભ્યએ દત્તક લીધેલું છે જેની ઉપેક્ષા ગામલોકો માટે અસહ્ય છે.માત્ર બે ટાવરના ભાડાંની આવકવાળા જેસપોર ના રહિશો ઘર નળ શિક્ષણ વિજળી વિ.વેરાની ચૂકવણી કરતા નથી

(1:37 pm IST)