Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

NCPમાં દાવાનળ : બાપુ કાલે 'પત્તા' ખોલશે

એન.સી.પી.ના પ્રદેશ આગેવાનો રાજીનામા ફગાવવાના મૂડમાં : કાલે શું ? ઉત્તેજના

રાજકોટ,તા.૩: સરકાર સામે તલવાર વીંઝી  રહેલા પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહજી વાઘેલાને પ્રમુખપદેથી હટાવી પૂર્વ એન.સી.પી. પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીને ફીર પ્રદેશ પ્રમુખ બનાવતા સરકાર સાથે વીંઝાઇ રહેલી પ્રદેશ એનસીપીની તલવારો આંતરીક વિવાદમાં ખેંચાવા લાગી છે. બાપુને પ્રમુખ પદેથી હટાવતા જ એન.સી.પીના પ્રદેશ આગેવાનો તથા જીલ્લા એકમોના આગેવાનો એન.સી.પી માંથી રાજીનામા ફગાવવાનાં મુંડમાં નજરે પડે છે.

ગુજરાત એન.સી.પીના પ્રદેશ આગેવાનો જીલ્લા પ્રમુખો તથા સંગઠનના વિવિધ હોદાઓ પર રહેલા સંખ્યાબંધ આગેવાનોએ બાપુને રૂબરૂ તથા ટેલીફોન પર સંપર્ક કરીને જયંત બોસ્કીની વરણીને ચલાવી જ ન લેવાય તેવા આક્રોશ સાથે પોતાના મનની વાતો રજુ કર્યાનું મનાય છે.

એન. સી. પી.ના ટોચના આગેવાનો બાપુને રૂબરૂ મળ્યા હતા અને બાપુની અવગણના કેમેય સહન નહી થાય તેમ સ્પષ્ટ જણાવ્યુ હતું પરંતુ બાપુએ બધાને શાંત પાડીને પોતે રાષ્ટ્રીય મહામંત્રી તરીકે ચાલુ છે અને કોઇ ઉતાવળ કે નિવેદનબાજી ના કરવા સલાહ આપી હોવાનું મનાય છે.

દરમ્યાન બાપુના ટેકેદારોએ સોશ્યલ મીડીયા થ્રુ પોતાના મનની વાત જાહેર કરી રહ્યા છે. આજે પણ બાપુ ગમે તેને છોડી શકે પણ પ્રજાને નહી અને બા રિટાયર્ડ થાય પણ બાપુ નહી તેવી પોસ્ટ વોટ્સએપ પર વાયરલ થઇ છે જે ઘણી સુચક મનાઇ રહી છે.

દરમ્યાન મળતા અહેવાલો મુજબ બાપુ હજુ મગનું નામ મરી પાડી રહ્યા નથી પરંતુ સંભવત આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને બાપુ પોતાનો 'રૂખ' જાહેર કરે તેમ મનાય છે.

આજે સંખ્યાબંધ પ્રદેશ આગેવાનો ત્થા જીલ્લા સંગઠનના આગેવાનો ખાનગીમાં બાપુને પોતાના રાજીનામા સુપ્રત કરે તવી ચર્ચા છે.

જો ઘીના ઠામમાં ઘી નહી પડે તો સંભવ એકાદ દિવસમાં એનસીપીનુ પ્રદેશ સંગઠન માળખુ ત્થા જીલ્લા માળખાઓ હોદદારો વગરના બની જાય તેવા એંધાણ મળી રહ્યા છે.

(1:15 pm IST)