Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કોરોના - વાવાઝોડુ - તીડ - ભારે વરસાદ વચ્ચે

ગુજરાત માટે ખુશાલીના સમાચાર : નર્મદા ડેમની સપાટી ૧૨૩ મીટરને વટાવી ગઇ : ૬૦૦૦ કયુસેક પાણી છોડાયુ

ઉપરવાસમાંથી ૧૨ હજાર કયુસેક પાણીની આવક : ૧૭૬૫ મીલીયન કયુબીક મીટર જથ્થો ઉપલબ્ધ

રાજકોટ તા. ૩ : કોરોના વાયરસ, વાવાઝોડું, તીડ અને ભારે વરસાદ વચ્ચે હાલ ગુજરાત માટે સારા સમાચાર મળી રહ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાતા ગુજરાત સરકારને મોટી રાહત થઇ છે. આજે નર્મદા ડેમ સપાટી ૧૨૩.૦૨ને વટાવી ગઇ છે. ઐતિહાસિક સપાટીએ પહોંચી જતા તંત્રની સાથે ખેડૂતોમાં પણ ખુશીની લહેરી પ્રસરી ગઇ છે.  સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાતા રાજ્યના ખેડૂતો આનંદિત થયા છે. સરદાર સરોવર ડેમની સપાટીમાં ૫ દિવસમાં ૨ મીટરનો વધારો નોંધાયો છે. ડેમની સપાટી હાલ ૧૨૩.૦૨ મીટર પર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી ૧૨૦૦૦ કયુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ડેમમાં ૧૭૬૫ એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્ય કેનાલમાં ૬૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.

ડેમનું મહત્તમ લેવલ ૧૩૮.૬૮ મીટર છે. ત્યારે હાલ ઉપરવાસમાંથી ૧૨૦૦૦ કયુસેક પાણીની આવક થવા પામી છે. ડેમમાં ૧૭૬૫ એમસીએમ (મિલિયન કયુબીક મીટર) લાઇવ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેથી ગુજરાત માટે મુખ્ય કેનાલમાં ૬૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

(3:56 pm IST)