Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સારો ખોરાક-પૂરતી ઉંઘ લ્યો, સદા આનંદમાં રહો તો કોરોના આઘો જ રહેશેઃ સુનિલકુમાર ધોલી

ગુજરાતના નશાબંધી અને આબકારી નિયામક સૂચવે છે રોગપ્રતિકારક શકિતવર્ધક ઉપાયો

રાજકોટ, તા. ૩ :. ગુજરાતના ડીરેકટર ઓફ પ્રોહીબીશન એન્ડ એકસાઈઝ શ્રી સુનિલકુમાર ધોલીએ લોકોને યોગ્ય જીવનશૈલી અપનાવી કોરોના જેવા રોગથી બચવા સલાહ આપી છે. તેઓ આઈ.એ.એસ. કેડરના અધિકારી હોવા ઉપરાંત તેમણે ડીપ્લો ઈન નેચરોપેથી અને યોગાનો (આયુર્વેદ) અભ્યાસ કરેલ છે.

સુનિલકુમાર કહે છે કે કોઈપણ માણસ માટે રોગપ્રતિકારક શકિતનું જ સૌથી વધુ મહત્વ છે. મહામારી સામે લડવામાં ભારતે ડહાપણભર્યુ વલણ અપનાવ્યુ છે. કોઈપણ વ્યકિતને રોગથી બચાવવા માટે તેની રોગપ્રતિકારક શકિત મજબૂત હોવી જરૂરી છે. જો આવી શકિત પુરતા પ્રમાણમાં હોય તો તેને વાયરસ અસર કરી શકતા નથી. બે વ્યકિતઓમાં કોરોના જેવા કોઈ રોગના લક્ષણ જોવા મળે ત્યારે એકને વધુ સહન કરવુ પડે અને બીજાને રોગ બહુ અસર ન કરે તેવુ બનતુ હોય છે તેનુ કારણ બન્નેની રોગપ્રતિકારક શકિતનો તફાવત છે. બ્રિટીશ મેડીકલ જર્નલના સર્વે મુજબ બ્રિટીશ કરતા બિહારના લોકોની રોગપ્રતિકારક શકિત વધારે છે. ભૌગોલિક સ્થિતિ, કુદરતી બાબતો વગેરે માણસ પર અસર કરે છે.

તેમણે જણાવેલ કે વિશ્વના દેશો અત્યારે કોરોનાની રસી શોધવા પ્રયાસ કરી રહ્યા છે. રસીનો મતલબ જ રોગપ્રતિકારક શકિત વધારવી તેવો થાય છે. જે માણસ રસી લઈ લ્યે તેની રોગપ્રતિકારક શકિત વધી જાય છે તેથી જે રોગની રસી લીધી હોય તે રોગ તેને અસર કરી શકતો નથી. સિક્કીમ આખુ ઓર્ગેનિક રાજ્ય થઈ ગયુ છે. ત્યાં ખેતીમાં કેમીકલ કે રાસાયણિક ખાતરો વપરાતા નથી. આપણા રસોડામાં જ શરીરને ઉપયોગ ઔષધો પડેલા છે તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. જેનુ પેટ સાફ રહે તેનુ સારૂ રહે છે. શુદ્ધ ખોરાક, પુરતી ઉંઘ અને સદા આનંદનું વાતાવરણ કોરોના જેવા રોગને દૂર રાખે છે. લોકોએ હાલની પરિસ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક પહેરવો, વારંવાર સાબુથી હાથ ધોવા વગેરેની ટેવ વિકસાવવી જરૂરી છે.

(11:43 am IST)