Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સુરતથી વતન આવેલા ૪ લાખ લોકોને હવે ''કર્મભૂમિ''માં પરત આવવુ છે : પરંતુ સરકારના નિયમોને કારણે મુશ્કેલી !!

સુરતથી અમરેલીમાં ૧ લાખ ૩૧ હજાર-ભાનગરમાં ૧ાા લાખ જુનાગઢમાં ર૮ હજારથી વધુ લોકો વતન આવ્યા હતા...: એક કારમાં ૩ અથવા ૪ લોકો બેસી શકે તે નિયમ ઉપરાંત... ખાનગી બસો બંધ-રાત્રી કફર્યુ અને રાત્રે એસ.ટી. બંધ હોય ભારે મુંઝવણ...

રાજકોટ, તા. ૩ :  કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે બે મહિના જેટલો સમય રાજયના ધંધા-ઉદ્યોગ બંધ રહેતા હોવાના કારણે અન્ય રાજયોમાંથી કે, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી સુરતમાં આવેલા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેથી તેઓએ પરત તેઓને તેમના વતન મોકલવામાં આવી તેવી સરકાર સમક્ષ માંગણી કરી હતી. રત્નકલાકાર સહિતના કર્મચારીઓને માંગણીને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા અન્ય રાજયોમાં રહેતા લોકો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યારબાદ આતંર જિલ્લાઓમાં રહેતા લોકોને સરકારી બસ મારફતે મોકલવામાં આવ્યા હતા. લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ધંધા-ઉદ્યોગ અને રાજય સરકાર દ્વારા શરૂ કરવાની છુટ મળતા સુરતમાં હીરા ઉદ્યોગ અને ટેકસટાઇલ ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે, ત્યારે સુરતથી તેમના વતન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગયેલા લોકોને તેમની કર્મભૂમિ સુરત પરત આવવું છે પરંતુ તંત્રના નિયમોના કારણે કારીગરોને પરત આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ અનુસાર સુરતમાંથી જે લોકો વતન ગયા હતા તેમાંથી અમરેલી જિલ્લાના ૧.૩૭ લાખથી વધુ કારીગરો ભાવનગરના ૧.૬ લાખથી વધુ, જુનાગઢ અને ગીર સોમનાથના ર૮,૦૦૦ થી વધુ, મહેસાણાના ૭,૮૯૭ અને અન્ય શહેરોના કુલ ૬૬,૦૦૦ આમ કુલ મળીને ૩.૯૪ લાખથી વધારે લોકો સુરતમાં ધંધા-રોજગાર બંધ થતા તેમના વતનમાં ચાલ્યા ગયા હતા. હવે સુરતમાં ફરીથી ધંધા-ઉદ્યોગ શરૂ થતા આ કર્મચારીઓ હવે સુરત આવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ તેઓને તંત્રના કેટલાક નિયમોના કારણે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

મોટાભાગના રત્નકલાકારો તેમના પરિવારના ૪ થી પ સભ્યો સાથે વતન ગયા હતા પરંતુ એક કારમાં બે ડ્રાઇવર સહિત બે લોકોને બેસવાની તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવતી હોવાથી સૌરાષ્ટ્ર ગયેલા રત્નકલાકાર સહિત અન્ય કારીગરો પરત ફરવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. તોબીજી તરફ ખાનગી બસો પણ રસ્તા પર દોડતી નથી. આ ઉપરાંત રાત્રીના સમયે ફકર્યુનું પાલન થતું હોવાના કારણે લોકો રાત્રીના સમયે એસ.ટી. બસ બંધ હોવાથી તેમના વતનથી નીકળી શકતા નથી.

તો બીજી તરફ રાજય સરકાર દ્વારા એસ.ટી. બસો શરૂ કરવામાં આવી છે પરંતુ એસ.ટી. બસોના અમરેલી, ભાવનગર, મહેસાણા અને જુનાગઢ સહિતના જિલ્લાઓમાંથી સુરત તરફ આવવાના રૂટ રેગ્યુલર શરૂ થવા માટે વાર લાગે તેમ છે. તેથી રત્નકલાકાર સહિત અન્ય કારીગરોને તેમની કર્મભૂમિ સુરત પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(11:43 am IST)