Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પાલનપુરમાં 11 માસનો માસુમ બાળક કોરોના સામે જંગ જીત્યો

બાળકનું સ્વાસ્થ્ય સુધારતા અને રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ

પાલનપુર: પાલનપુર કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 11 માસના બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં મંગળવારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બનાસ મેડિકલ કૉલેજ કોવિડ હોસ્પિટલમાં 11 મહિનાના બાળકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. ડીસાથી તેને સારવાર અર્થે બનાસ મેડિકલ કોલેજની કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેને મેડિકલ કોલેજના બાળરોગ નિષ્ણાત ડૉ. અજીત શ્રીવાસ્તવ અને તેમની ટીમ દ્વારા દાખલ કરી સારવાર આપવામાં આવી હતી.

બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે ઉપરાંત તેના શરીરમાં લોહી પણ ઓછું હતું. લોહી આપવા સાથે લોહીના પ્લેટલેટ અને અલ્બુમીન પ્રોટીન પણ આપવા પડ્યા હતા. કીડની કામ ન કરતી હોવાથી તેને લગતી ઘનિષ્ટ સારવાર કરવામાં આવી હતી. લીવર માટે પણ સારવાર આપવી પડી હતી. કોવિડ ન્યુમોનિઆની સારવાર તો ચાલુ જ હતી. દર્દી જરૂરિયાતમંદ પરિવારમાંથી હોવાથી દવાઓ અને લોહી બધી વ્યવસ્થાઓ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવી હતી.

ડોકટર તેમજ સ્ટાફ દ્વારા જાણે કે પોતાનું જ સ્વજન બાળક હોય તેવી રીતે સારવાર અને સંભાળ પૂરી પાડવામાં આવી હતી. છેવટે અથાગ મહેનત રંગ લાવી, બાળકનું સ્વાસ્થ્ય ધીમે ધીમે સુધરવા લાગ્યું. તેનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો. જે બાદ તેને રજા આપવામાં આવી છે

(11:19 am IST)