Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચોમાસુ આવવાની તૈયારી સામે મુસીબત: રાજપીપળામાં લોકડાઉન વચ્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા ન આવતા લોકો ચિંતિત

અગાઉ ગ્રાન્ટની તકલીફ બાદ હવે કોરોના લોકડાઉન વચ્ચે લાભાર્થીઓના હપ્તા જમા ન થતા સામે ચોમાસે વિકટ સ્થિતિ: લોકોના કામ ધંધા બંધ છે ત્યારે મકાન ખોલી બેઠેલા પરિવારોના ૩ મહિનાથી હપ્તા જમા થયા નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર દેશ હાલ કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે ફસાયેલો છે લોકડાઉનમાં લોકોના કામ ધંધા અટકી પડ્યા છે બીજી તરફ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ યોજના માં લાભ મળ્યા બાદ મકાનો તોડી બેઠા છે પરંતુ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ઘણા લાભાર્થીઓનાં હપ્તા જમા ન થતા દાગીના ગીરવે મૂકી કે વ્યાજે રૂપિયા લાવી મકાનો બાંધી રહ્યા હોય હાલ આવા ઘણા લાભાર્થીઓની હાલત નહિ ઘરના કે નહીં ઘાટના જેવી થવા પામી છે.વ્યાજે રૂપિયા લઈ મહિને વ્યાજ ચૂકવતા લોકો પણ હાલ કોરોના લોકડાઉન વચ્ચે કામકાજ બંધ હોવાથી વ્યાજ પણ ચૂકવી શકે તેવી હાલત ન હોય ગરીબ પરિવારો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે સામે ચોમાસુ આવવાની તૈયારી હોય મકાન પૂરું બાંધી નહિ શકનારા લાભાર્થીઓને વરસાદની ચિંતા સતાવી રહી છે.

 જોકે જાણવા મળ્યા મુજબ લોકડાઉન ના કારણે કચેરીઓ બંધ હોય તેમજ વાહન વ્યવહાર બંધ હતો જેથી આવાસ ની કામગીરી સદંતર બંધ હતી પરંતુ લોકડાઉન પહેલા જે લાભાર્થીઓ ના મકાન ના ફોટા પડ્યા હતા તેને 3 મહિના જેવો સમય વીતી જતા આ બધા હપ્તા ની રાહ જોઈ રહ્યા છે જ્યારે હવે નવી કામગીરી પણ ઝડપી શરૂ થાય તેવી પણ માંગ ઉઠી છે.

(8:54 am IST)