Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ડીજીપીનું જાહેર 'કબૂલાતનામું': નશાબંધીને વરેલા ગુજરાતમાં દારૂ વેચાય છે?

ગુજરાતમાં દારૂની બદી રોકવા પોલીસોએ સ્પેશ્યલ ડ્રાઇવ કરવી પડે છે : રાજયના પોલીસ વડાએ ખાસ પરિપત્ર બહાર પાડીને આજે બીજી જૂનથી એક સપ્તાહ સુધી દારૂ-જૂગાર સામે તૂટી પડવા પોલીસ તંત્રને વિનંતી કરી, અઠવાડિયા પછી શું?

ગાંધીનગર તા. ૩ :.. દારૂ બંધીને વરેલા ગુજરાત રાજયમાં પોલીસ વડાની દારૂની અને જૂગારની બદી રોકવા માટે ખાસ પરિપત્ર બહાર પાડીને ખાસ ઝૂંબેશ શરૂ કરવી પડે એ જ બતાવે છે કે ગુજરાતમાં દારૂબંધી સાવ નિષ્ફળ ગઇ છે અને હજારો પોલીસનો કાફલો હોવા છતાં રાજયમાં બેરોકટોક દારૂની ગેરકાયદે હેરફેર ચાલી રહી છે, એટલું જ નહીં, વાહનોમાં લકઝરી બસના ઉપયોગની સાથે ટ્રેનમાં પણ દારૂની ગેરકાયદે હેરફેર થઇ રહી છે. પોલીસ વડાએ આજે બીજી જૂનથી શરૂ કરીને એક સપ્તાહ સુધી વિશેષ ડ્રાઇવ શરૂ કરવાની વિનંતી કરી છે, પરંતુ શું એક સપ્તાહ પછી  ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરફેર, ઉત્પાદન, વેચાણ અને હપ્તારાજ અટકશે ?

ગુજરાત રાજયની સ્થાપનાકાળથી નશાબંધીની નીતિ અપનાવવામાં આવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતમાં જન્મ્યા હોવાથી અને રાષ્ટ્રપિતા પોતે નશાબંધીના હિમાયતી હોવાથી ૧૯૬૦ ની ૧ મેથી ગુજરાતે નશાબંધીની નીતિ અપનાવી, પરંતુ ગાંધીનગરની ગાદી પર ભલભલી સરકાર આવી અને ગઇ, ગેરકાયદે દેશી અને વિદેશી દારૂનો વેપલો ધમધોકાર ચાલી રહ્યો છે. એની સાથે-સાથે પોલીસ તંત્રમાં હપ્તતારાજ પણ ચાલી રહ્યું છે. જયારે-જયારે કોઇ ઘટના કે લઠ્ઠાકાંડ બને ત્યારે સરકાર ઊંઘમાંથી જાગીને પોલીસ તંત્રને 'કડક આદેશો' આપે છે, પરંતુ સમય વીત્યા પછી બંધુ ભુલાઇ જાય છે અને દીવ-દમણ - રાજસ્થાન, મુખ્ય પ્રદેશથી દારૂનો ગેરકાયદે જથ્થો આવતો હોય છે.

હાલમાં કોઇ લઠ્ઠાકાંડનો બનાવ બન્યો નથી છતાં પોલીસ વડાની દારૂ-જૂગારની બદી માટે વિશેષ ઝૂંબેશની વિનંતી કેમ કરવી પડી તે પોલીસબેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.પોલીસ વડાએ ૭ મુદાનો પરિપત્ર બહાર પાડીને તમામ પોલીસ - કમિશનરો, રેન્જ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ વગેરેને આદેશ નહીં પણ 'વિનંતી' કરી છે કે આ દરોડા સફળ થાય એની ખાસ કાળજી લેજો. શું પોલીસ વડાએ વિનંતી કરવી પડે છે? આ ઉપરાંત પરિપત્રમાં સૌથી ગંભીર બાબત એ છે કે સાત નંબરના મુદામાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયાં પોલીસનું સંભવિત મેળાપીપણા હોવાનું સંભવ હોય ત્યાં ખાસ દરોડા સફળ થાય એની કાળજી લેવા વિનંતી. આ બતાવે છે કે ખુદ ગુજરાતના પોલીસ વડાને પણ શંકા અને ખાતરી છે કે તેમની પોલીસ બૂટલેગરો અને જૂગારીઓ સાથે મળી ગયેલી હોય છે. એથી પરિપત્રમાં એવો ઉલ્લેખ કરવો પડયો કે જે સ્થળે પોલીસનું મેળાપીપણું હોય ત્યાં ચોકકસ દરોડા પાડવા જોઇએ.

પોલીસના દરોડાથી બચવા બૂટલેગરોમાં મચી નાસભાગ

રાજકોટ શહેરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ વધતાં પોલીસ એકશનમાં આવી ગઇ છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં આવેલા રૈયાધાર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી દારૂના અડ્ડાઓનો નાશ કર્યો હતો. એક કલાક ચાલેલી દરોડાની કાર્યવાહી દરમ્યાન પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ દારૂના મોટા જથ્થાનો નાશ કર્યો હતો. પોલીસના દરોડાને પગલે રૈયાધાર વિસ્તારમાં બૂટલેગરો અને દારૂડિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી.

(12:09 pm IST)