Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

મારી વિરુદ્ધ કેસ કરશો તો તમારી વર્ધી ઉતરાવી દઈશ

અમદાવાદમાં યુવકોએ પોલીસ ચોકી માથે લીધી : બીજા બધા બહાર ફરે છે તેમને કેમ પકડતા નથી અને અમારી પર કેસ કરો છો, મને પકડી મારા પર કેસ કરી દો

અમદાવાદ,તા.૩ : બીજા બધા બહાર ફરે છે તેમને કેમ પકડતા નથી અને અમારી ઉપર કેસ કરો છો, મને પકડી મારા પર કેસ કરી દો અને મને જેલમાં પૂરી દો. તમારા પર થોડીવારમાં ઉપરી અધિકારીઓનો ફોન આવશે અને મને છોડી દેવો પડશે. કોરોનાની મહામારીને કારણે મોડી રાત્રે પોલીસ કર્ફ્યૂનું કડકપણે પાલન કરાવીને મેડિકલ ઇમરજન્સી વગર કામનગર બહાર નીકળેલા લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગના કેસ કરી રહી છે. ગઇકાલે વાહન લઇને નીકળેલા ત્રણ મિત્રોને અજીતમીલ પોલીસ ચોકી પાસે પોલીસે અટકાયત કરતા મામલો બીચક્યો હતો. એક યુવકે પોલીસ કર્મચારીઓ સાથે મારામારી કરીને આખી પોલીસ ચોકી માથે લીધી હતી.

બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ એ.એન.પટેલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં નયન ભાંડગે, રામ ઉર્ફે રાજુ નગરી, અને અભિષેક ગુપ્તા વિરુદ્ધ મારમારીની ફરિયાદ કરી છે. પોલીસ કર્મચારીઓ ગઇકાલે રાત્રે અજીતમીલ પોલીસ ચોકી પાસે ફરજ પર હાજર હતા ત્યારે ત્રણેય યુવકો બે વાહનો લઇને નીકળ્યા હતા.

કર્ફ્યૂ ભંગ કર્યો હોવાના કારણે મહિલા પીએસઆઇએ તમામ વિરુદ્ધ કેસ કરવાનું કહ્યુ હતું. જેથી ત્રણેય યુવકો ઉશ્કેરાયા હતા અને એક કોન્સ્ટેબલનો શર્ટ પકડીને બટન તોડી નાખ્યા હતા. ત્રણેય યુવકોએ પોલીસ સાથે બબાલ કરીને કહ્યુ હતું કે, બીજા બધા બહાર ફરે છે તેમને કેમ પકડતા નથી? અમારી ઉપર કેમ કેસ કરો છો? અમને નહીં જવા દો તો પોલીસવાળાને જાનથી મારી નાંખીશ. આવી ધમકી આપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

ત્રણ યુવક પૈકી એક યુવકે પોલીસને ધમકી આપી હતી કે, તમારી કોઇ હેસિયત નથી. મારી વિરુદ્ધ કેસ કરશો તો તમારી વર્ધી ઉતરાવી દઈશ. પોલીસ ત્રણેય યુવકોએ અજીતમીલ પોલીસ ચોકીમાં લઇ આવી હતી. અહીં તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ગાળાગાળી કરીને આખી પોલીસ ચોકી માથે લીધી હતી. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા હતા.

(9:49 pm IST)