Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

પુત્રવધૂએ પકડી રાખ્યાં અને પુત્રએ માતાને ઢોરમાર માર્યો

વ્યારામાં સંબંધને લજવાઈ તેવી ઘટના : અમારા પૈસે પાણીનો બોર કરાવ્યો છે તો પણ તું અમને પાણી કેમ વાપરવાં દેતો નથી : માતાનું હૈયાદ્રાવક રૂદન

અમદાવાદ,તા.૩ : વ્યારાના સોનગઢના ખરસી ગામે એક વૃદ્ધ મહિલાને તેના પુત્ર અને પુત્રવધુએ માર મારતા પોલીસ ફરિયાદ થઇ છે. પુત્ર અને પુત્રવધુએ બોરમાંથી પાણી આપવાના મુદ્દે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. સોનગઢ તાલુકાના ખરસી ગામે રહેતા ૭૫ વર્ષનાં લલિતા બહેન જનતા ભાઈ ગામીત હાલ નાના પુત્ર જિતેન્દ્ર સાથે રહે છે. જયારે મોટો પુત્ર જયેશ ગામીત તેના પરિવાર સાથે અલગ રહે છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શનિવારે સાંજના સમયે લલિતા બહેન ઘરે બેઠા હતા.

આ દરમિયાન એમનો મોટો પુત્ર જયેશ હાથમાં લાકડી લઈ પત્ની ચંદ્રિકા સાથે ત્યાં આવ્યો હતો. એણે માતા લલિતાબેનને ધમકાવતા કહ્યું કે, મારા પાણીના બોરમાંથી લીમજીભાઈને પાણી આપવાની વાત કેમ કરે છે? આ અંગે મોટેમોટેથી ઝગડો શરૂ કર્યો હતો. ત્યારે લલિતા બહેને કહ્યું હતું કે, અમારા પૈસે પાણીનો બોર કરાવ્યો છે તો પણ તું અમને પાણી કેમ વાપરવાં દેતો નથી. આ સાંભળી પુત્ર વધારે ગુસ્સે થયો હતો અને માતાને અપશબ્દો બોલતો હતો. જે બાદ પુત્રવધુ ચંદ્રિકાએ પણ સાસુ ને પકડી રાખ્યા હતા અને પુત્ર જયેશે પોતાની માતા નો ડાબો હાથ વાળી દઇ જમીન પર પાડી દીધા હતા. જોકે, આ દરમિયાન લલિતાબેને બૂમાબૂમ કરતા આસપાસનાં લોકો ભેગા થતાં બંને જતા રહ્યાં હતા.

આ બાદ વૃદ્ધાએ ૧૮૧ પર ફોન કરતા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. આ બનાવમાં લલિતાબહેનના ડાબા હાથની કોણીના ઉપરના ભાગનું હાડકું તૂટી ગયું હતું. એમને ફ્રેક્ચર થયું હતું જેથી સારવાર માટે વ્યારા ખાતે ખસેડાયા હતા. આ અંગે સોનગઢ પોલીસ મથકે મોડી રાત્રીના સમયે લલિતા બહેને પોતાના પુત્ર જયેશ ગામીત અને પુત્રવધુ ચંદ્રિકા સામે ફરિયાદ નોંધાવી હતી.

(9:47 pm IST)