Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કોવિડથી ડરવાની જરૂર નથી, પોઝીટીવ વિચાર રાખીને કોરોનાને હરાવી શકાય છેઃ નિરજભાઇ દેસાઇ

પ્રાઇવેટ હોસ્‍પિટલમાં સારવાર છોડી વલસાડ સિવિલ હોસ્‍પિટલની સારવારથી જીવતદાન મળ્‍યું

 વલસાડ: વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં કોરોનાની સારવાર લઇ કોરોનાને હરાવનાર ૫૦ વર્ષીય નિરજભાઇ જણાવે છે, સિવિલ હોસ્‍પિટલના તબીબો ઉપર અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી તબીબોની સારવાર અને સલાહથી હું આજે કોરોનાને હરાવી સાજો થયો છું. કોવિડને હિંમતથી હરાવો, કોવિડને હરાવવાનો સહેલો ઉપાય પોઝીટીવ વિચાર જ છે. સિવિલ હોસ્‍પિટલ અને પોતાના શરીર ઉપર વિશ્વાસ રાખો.
વલસાડના રામવાડી વિસ્‍તારમાં રહેતા નિરજભાઇ દેસાઇને કોરોનાના લક્ષણ જણાતાં પ્રાઇવેટ હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. પરંતુ પ્રાઇવેટ હોસ્‍પિટલની સારવાર અનુકૂળ નહીં આવતા વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયા હતા. સિવિલમાં દાખલ હતા તે અરસામાં જ પોતાના પિતાશ્રીનું અવસાન થતાં તેમને આઘાત લાગ્‍યો હતો. આવા સંજોગો દરમિયાન ઓક્‍સીજન લેવલ ૯૦ થી પણ નીચું જતું રહયું હતું. પિતાના અવસાનને ધ્‍યાને લઇ  ડોકટરે  જણાવ્‍યું હતું કે, આવા સમયે તમને પીપીઇ કીટ પહેરીને મોકલીએ, પરંતુ તમારું ઓકસિજન લેવલ નીચું જતું હોવાથી આવા સંજોગોમાં બહાર જવું યોગ્‍ય નથી. તેમણે ડોકટરની સલાહ માન્‍ય રાખી. ડાયાબિટીસનો દર્દી હોવા છતાં સતત ૧૨ દિવસની સિવિલ હોસ્‍પિટલની સુદૃઢ સારવારથી નિરજભાઇ સ્‍વસ્‍થ થઇને ઘરે પરત ફર્યા છે.
સિવિલ હોસ્‍પિટલની સારવાર અન્‍વયે નિરજભાઇ જણાવે છે, મને દરરોજ સાત ઇન્‍જેકશન આપવામાં આવતા હતા. સમયસર ચા- નાસ્‍તો, જમવાનું પણ આપવામાં આવતું. દવા પણ આપવામાં આવે તે સ્‍ટ્રીપ નહીં પણ પેપરમાં વ્‍યવસ્‍થિત રેપિંગ કરી પડીકી બનાવીને આપવામાં આવતી હતી. મારી તબિયતને ધ્‍યાને રાખીને જરૂરિયાત મુજબની દવા આપવામાં આવતી. ડોકટરની વીઝીટ પહેલાં જે ઇન્‍જેકશનો આપવાના હોય તે મેડીકલ સ્‍ટાફ દ્વારા આપી દેવામાં આવતું. સિવિલ હોસ્‍પિટલમાં કાઢા ઉપરાંત જમવાનું પણ સારૂ આપવામાં આવે છે. સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટર, નર્સિંગ સ્‍ટાફ સહિતના તમામ કર્મચારીઓ દર્દીઓની સેવામાં હંમેશા તત્‍પર રહેતા હોય છે. હાલના કોરોના કાળમાં આ કર્મયોગીઓની કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે. હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થયા પછી છ દિવસની દવા આપવામાં આવી હતી, સાથે કોરોન્‍ટાઇન પણ રહેવાનું હતું. છ દિવસ બાદ બોડી ચેકઅપ કરાવ્‍યું હતું. ત્‍યારે ડોકટરના પ્રિસ્‍ક્રીપ્‍શન મુજબની એક દવા સ્‍ટોકમાં ન હતી, જે બહારથી ખરીદવા જણાવ્‍યું હતું. જે દવાનો ખર્ચ માત્ર રૂા. ૬૫ થયો હતો. સંપૂર્ણ કોરાનાની  સિવિલની સારવાર તેમને રૂા. ૬૫ માં પડી હોવાનું તેઓ જણાવે છે. અને કદાચ આ જ સારવાર પ્રાઇવેટ હોસ્‍પિટલમાં લીધી હોત તો તેનો ખર્ચ કલ્‍પી શકાય તેમ નથી.
નિરજભાઇએ આજે સ્‍વસ્‍થ થઇને પ્‍લાઝમા પણ ડોનેટ કર્યુ છે. એટલું જ નહીં પણ હમણા સિવિલ હોસ્‍પિટલમાં કોવિડના દર્દીઓને પ્રેરણા આપવાની કામગીરી કરી રહયા છે. જે દર્દી કોવિડના કારણે વધુ ગભરાટ અનુભવે છે તેવા દરદીને પર્સનલી મળી હુંફ આપીને તેઓ સેવાનું કાર્ય કરી રહયા છે.

(8:47 pm IST)