Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઍક વર્ષમાં ૧૭૯૨૫થી વધુ કોરોના દર્દીઓની સફળ સારવારઃ ૪૦૩૭૯થી વધુ કોવિડ દર્દીઓનું ઓપીડીમાં ચેકઅપ

અમદાવાદ: અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે સ્થિતિ સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૫૬થી વધુ દર્દીઓને કોવીડની સારવાર આપવામાં આવી રહી છે. તેમાંથી આઈસીયુ બેડમાં ૫૦ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ઓક્સિજનની જરુરિયાતવાળા ૨૦૦ દર્દીઓ દાખલ છે, એમ સોલા સિવિલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો.પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું.

ડો. પ્રકાશ મહેતાએ કહ્યું કે, સોલા સિવિલમાં છેલ્લા એક વર્ષમાં ૧૭,૯૨૫થી વધુ કોવીડના દર્દીઓની સારવાર સફળતાપૂર્વક હાથ ધરાઈ છે. જ્યારે ૪૦,૩૭૯ થી વધુ કોવીડ દર્દીઓને ઓપીડીમાં તપાસવામાં આવ્યા છે.

સોલા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો.પ્રદિપ પટેલે જણાવ્યું છે કે, કોરોનાને લગતા ગંભીર કેસમાં પણ અત્યારે કોરોના ઓપીડી ખાતે ટ્રાએજ એરિયા ઉભો કરીને દર્દીઓને જરુરી સારવાર પુરી પાડવામાં આવે છે. ડો. પ્રદિપ પટેલે એ પણ સ્પષ્ટતા કરી કે, કોરોના સિવાયના દર્દીઓની ઓપીડી અને સારવારની કામગીરી સોલા સિવિલમાં ચાલુ જ છે.

ઉલ્લેખનયી છે કે છેલ્લા સપ્તાહમાં સોલા સિવિલમાં કોરોના વોર્ડમાં દાખલ કરાયેલા દર્દીઓ સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. સોલા સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર તેમ જ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અંતરિયાળ ગામડાઓમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના દર્દીઓ પણ ખાનગી વાહનોમાં અહીં સારવાર માટે આવે છે. આ બધા જ દર્દીઓને સર્વોત્તમ સારવાર વિના મૂલ્યે મળે છે. આમ, ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે સોલા સિવિલ હોસ્પિટલ આશિર્વાદરુપ પુરવાર થઈ રહી છે.

(4:26 pm IST)