Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ખેરગામ-આછવણીના ફેરિયાએ કોરોનાને હરાવ્યો: ૪૪ પ્રાણવાયુસ્તર :૨૦ દિ' સંઘર્ષ:

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : ખેરગામ તાલુકાના આછવણીના ભુરુલ ફળિયા ખાતે રહેતા અને ખેરગામ ખાતે રાત્રી ચોકીદારી કરતા, સવારે પરત થતા રુઝવણી આછવણી ૫ણંજ વિ. ગામોના રહીશોને દૈનિક પત્રો પહોંચાડતાં લલ્લુભાઈ નિછાભાઈ પટેલ (૫૫)ના કુટુંબમાં વાયરલ તાવ ફેલાયો હતો તપાસમાં સભ્યો નેગેટિવ આવ્યા પરંતુ લલ્લુભાઈનો ઍન્ટિજંટ ટેસ્ટ પોઝિટિવ નીકળ્યો.
  ખેરગામ રેફરલ હોસ્પિટલ ખાતે ડૉ વિપુલ પટેલે સઘન તપાસ કરતા પ્રાણવાયુનું સ્તર ખૂબ જ ઓછું ૪૪-જોખમી હતું, જેથી ખેરગામ ઈમરજન્સી વોર્ડમાં તેમને  પ્રાણવાયુ આપવાનું શરૂ કરી 108ને કોલ કરતા દોઢેક કલાક બાદ ધરમપુરથી આવેલી 108માં તેઓને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કરાર આધારિત કર્મચારીઓની હડતાલ-બબાલે બે-ત્રણ દિવસ પરેશાન કર્યા. ચોવીસ કલાક ચા-પાણી ભોજન પણ મળ્યા નહીં. એવા કપરાં સંજોગોમાં હિંમત હાર્યા વિના સ્વામિનારાયણભક્તે સારવાર કરાવી, વીસ દિવસના સંઘર્ષ બાદ પ્રાણવાયુ સ્તર સામાન્ય થતા તેમને રજા આપતા ફળિયામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
   લલ્લુભાઈ છેલ્લા વીસેક વર્ષથી જ્યોતિબેન વિનોદકુમાર મિસ્ત્રી-દૈનિક પત્ર વિક્રેતાને ત્યાં સેવા બજાવે છે અને છાપું લેનારા દરેકને પ્રિય વિનંતી સેવા આપે છે. રોજના ૪૦થી વધુ કિલોમીટર વિષમ ઋતુમાં પણ સાયકલિંગ કરતા હોય, તંદુરસ્તી સારી રહે છે છતાં સંક્રમણ ક્યાંથી લાગ્યું એ પ્રશ્ન છે. તેઓ સિવિલમાં દાખલ થવા પણ તૈયાર ન હતા, પરંતુ વિનોદ મિસ્ત્રીની સમજાવટથી એકલા જવા રાજી થયા અને વલસાડ સિવિલની વિનામૂલ્યે સારી સારવારથી સાજા થઈને પરત ઘર ભેગા થયા. આમ પ્રબળ ઈચ્છાશક્તિ અને ભક્તિથી તેમણે કોરોનાને હરાવ્યો હતો.

(1:29 pm IST)