Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

દેશમાં ૧૫ મિલિયનથી વધુ લોકો અસ્થમા રોગથી ગ્રસ્ત

સાતમીમેના રોજ વર્લ્ડ અસ્થમા ડેની ઉજવણી : બાળકોમાં અસ્થમાનું પ્રમાણ હાલમાં નોંધનીય રીતે વધ્યું

અમદાવાદ,તા. ૩ : તા.૭મી મેના રોજ વર્લ્ડ અસ્થમા દિનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અમદાવાદ શહેર સહિત ગુજરાત અને ભારતભરમાં અસ્થમાના દર્દીઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઇ રહ્યો હોઇ નિષ્ણાત તબીબો પણ હવે તે પરત્વે સજાગ અને જાગૃતિ ફેલાવવા પ્રયત્નશીલ બન્યા છે. ભારતમાં અંદાજે ૧૫ મિલિયનથી વધુ લોકો અસ્થમાની બિમારીથી ગ્રસ્ત છે, જેમાં ગુજરાતમાં દોઢ મિલિયનથી વધુ અસ્થમાના દર્દીઓ છે. ગંભીર અને ચિંતાજનક વાત એ છે કે, હાલની પોલ્યુશન, બાંધકામ અને પર્યાવરણની ખરાબ સ્થિતિને લઇ બાળકોમાં પણ અસ્થમાનું પ્રમાણ નોંધનીય રીતે વધી રહ્યું છે. ખાસ કરીને એલર્જીક અસ્થમાની બિમારી બાળકોમાં ઘર કરતી જાય છે. બાળકોમાં દર મહિને નવા ૨૫થી ૩૦ કેસો અસ્થમાના નોંધાઇ રહ્યા છે. આ સંજોગોમાં વર્લ્ડ અસ્થમા ડે નિમિતે, અસ્થમાની બિમારીની સારવાર, નિદાન અને તેને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય, ખાસ કરીને ઇન્હેલર થેરાપીની પધ્ધિસરની જાગૃતિ સહિતની બાબતોને લઇ શહેરની કે.ડી.હોસ્પિટલ અને ટેન્ડર ટચ હોસ્પિટલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે દરમ્યાન જાણીતા ચેસ્ટ ફિઝિશીયન ડો.શ્વેતા ગાર્ગીયા, પીડિયાટ્રીશીયન ડો.કમલ વ્યાસ સહિતના નિષ્ણાતો દ્વારા અસ્થમા પીડિત દર્દીઓ અને તેમના પરિવારને ખાસ જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે. અસ્થમાને લઇને કેટલીક ગેરસમજો અને ભયને દૂર કરવાના લક્ષ્ય અને અસ્થમાથી પીડિત લોકોને કોઇપણ રીતની સીમાઓના બંધનથી આઝાદ જીવન માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લેવડાવવા કટિબધ્ધ બનેલા કે.ડી.હોસ્પિટલના ચેસ્ટ ફિઝિશીયન ડો.શ્વેતા ગાર્ગીયા અને ટેન્ડર ટચ હોસ્પિટલના પીડિયાટ્રીશીયન ડો.કમલ વ્યાસે જણાવ્યું હતું કે,  બાળકોમાં અસ્થમાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે, તો વયસ્ક પુરુષોમાં અસ્થમાની સમસ્યા મહિલા કરતાં વધી ગઇ છે. આ સંજોગોમાં અસ્થમા-દમ અને ઇનહલેશન થેરેપી પરત્વે લોકોની ધારણા બદલવી ખૂબ જ જરુરી છે. ઇનહલેશન થેરેપી લોકોને સારી અને નોર્મલ લાઇફ જીવવામાં બહુ મહત્વની ભૂમિકા અદા કરે છે. પરંતુ તેનું ડોકટરી નિર્દેશ મુજબ પાલન કરવું જરૂરી છે. ભારતમાં ૭૦ ટકા દર્દીઓ ઇન્હેલર થેરેપીથી સારૂલાગે ત્યારે અધવચ્ચે જ ઇન્હેલેશન થેરેપી બંધ કરી દે છે, જેના કારણે રોગ પર નિયંત્રણ મુશ્કેલ થઇ શકે છે. ચેસ્ટ ફિઝિશીયન ડો.શ્વેતા ગાર્ગીયા અને પીડિયાટ્રીશીયન ડો.કમલ વ્યાસે  વધુમાં ઉમેર્યું કે, અસ્થમા જેવી દીર્ધાવધિ બીમારીથી બહાર આવવા માટે શિક્ષિત કરવાનો આ પ્રયાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેશટેકબેરોકજિંદગીનું આ અભિયાન અસ્થમા સામે જીતની તરફ લઇ જશે.

અસ્થમાના કેસો વધ્યા...

અમદાવાદ,તા. ૩ :

અસ્થમા અને તેના લક્ષણો

   જાણીતા ચેસ્ટ ફિઝિશીયન ડો.શ્વેતા ગાર્ગીયા અસ્થમા એક ક્રોનિક (દીર્ધાવધિ) બીમારી છે. જેમાં શ્વાસ માર્ગમાં સોજો અને શ્વાસ માર્ગની સંકીર્ણંતાની સમસ્યા હોય છે, જે સમયની સાથે ઓછી વધારે થાય છે. દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેનો પૂરો શ્વાસ ફેફસા સુધી પહોંચતો નથી અને અંદર અધૂરો રહે છે તેવો એહસાસ થાય છે. એક અનુમાન અનુસાર સ્થાનીય ડોક્ટર્સ રોજ એવરેજ લગભગ ૪૦ દર્દીઓને અસ્થમાની બીમારીથી પીડિત મેળવે છે. તેમાંથી લગભગ ૬૦ ટકાથી વધારે પુરુષ હોય છે. પાછલાં એક વર્ષમાં અસ્થમાના પીડિત દર્દીની સંખ્યામાં એવરેજ ૫ ટકા વધારો જોવામાં આવ્યો છે. જોકે પાછલાં કેટલાંક વર્ષોમાં ઇન્હેલેશન થેરેપી લેતાં દર્દીની સંખ્યા વધી છે, પરંતુ લગભગ ૨૦ ટકા અસ્થમા પીડિત કિશોરાવસ્થાથી પહેલાં જ અથવા કિશોરાવસ્થા દરમિયાન ઇન્હેલરનો ઉપયોગ બંધ કરી નાંખે છે.

અસ્થમા-દમ ફેલાવતાં કારણોમાં મુખ્ય પોલ્યુશન

   અસ્થમાના મુખ્ય કારણોમાં વાયુ પ્રદૂષણથી લઇને એર પાર્ટિકુલેટ મૈટર્સનું વધવું, ધુમ્રપાન, બાળપણમાં સાચી સારવાર ના મળવી, મોસમમાં બદલાવ જેના કારણે કોમન ફ્લુ જેવા વાયરલ ઇન્ફેક્શન હોવું, બિનઆરોગ્યપ્રદ પર્યાવરણ અને સૌથી મોટી વાત દર્દીમાં તેના પ્રત્યે ભારે નિષ્કાળજી રાખવી તે છે. સૌથી મોટો પડકાર એ છે કે અસ્થમાના લક્ષણ દેખાતાં બંધ થવા પર લોકો સારવાર લેવાનું બંધ કરી દે છે, એવામાં અસ્થમાને મેનેજ કરવું મુશ્કેલ થઇ જાય છે. અસ્થમામાં ઇન્હેલર થેરેપી કારગત અને અસરકારક છે, તેનાથી દર્દીને આદત પડતી નથી.

 

(9:26 pm IST)