Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સુરતમાં કોઝ-વેનું પાણી લેવલ ઓછુ થતા અનેક વિસ્‍તારમાં ગંદા પાણીનું વિતરણ

સુરત :ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરતના અનેક વિસ્તારમા પીવાનું પાણી ગંદુ આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેને પગલે પાલિકાએ સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી કરી છે. આ ઉપરાંત કોઝવેનું પાણીનું લેવલ ઓછું થવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું કારણ અધિકારીએ આગળ ધર્યુ હતુ.

એક તરફ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, તો બીજી તરફ સુરતના કોઝવેની પાણીની સપાટી ઓછી થઈને 4.30 મીટર પર પહોંચી છે. જેને કારણે શહેરના રાંદેર, કતારગામ, સેન્ટ્રલ ઝોન સહિતના વિવિઝ ઝોનમાં પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ અંગે સ્થાનિક લોકોએ સુરત મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂમા ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા.

ગંદુ પાણી મળતું હોવાની રાવ વચ્ચે મનપા દ્વારા 2609 જેટલા પાણીના સેમ્પલ લેવામા આવ્યા હતા. જે પૈકી 35 સેમ્પલ ફેઇલ ગયા હતા. મોટાભાગના સ્થળોએ પાણી પીવાલાયક હતુ. પણ વિયરની સપાટી ઘટી હોવાના કારણે પાણીમા દુર્ગધ આવતી હતી. જે 35 સેમ્પલ નિષ્ફળ થયા, ત્યા મલીન પાણી ભળી ગયેલું હતું. તે શોધવા કામગીરી શરુ કરી દેવામા આવી છે. તો બીજી તરફ પાણીની દુર્ગંધ દુર કરવા માટે મનપા દ્વારા સિંચાઇ વિભાગને ઉકાઇ ડેમમાંથી પાણી છોડવા માટે વિનંતી કરી હતી. જે વિનંતી ગ્રાહ્ય રાખીને સિંચાઈ વિભાગ દ્વારા 4 હજાર કયુસેક પાણી છોડવાનું નક્કી કર્યુ હતુ.

કોઝવેની સપાટી ઘટતા રો વોટરની ગુણવત્તા નહિ જળવાતા શહેરમાં પાણી દુર્ગંધયુકત પાણીની ફરિયાદ ઉઠવા પામી છે. ફિલ્ટરેશન અને કલોરીનેશન કરીને પાણી પીવાલાયક બનાવવું પડતુ હોવાની નોબત આવી રહી છે. અગાઉ વિરોધ પક્ષના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામા આવી હતી કે, ઉનાળા પહેલા કોઝવેની સાફસફાઇ કરી પાણીનો જથ્થો કરી દેવામા આવે. જોકે મનપાએ આ વાત સામે આંખ આડા કાન કર્યા હતા. જેના પરિણામે પાણી ગંદુ અને દુર્ગધયુક્ત આવતુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જો આ ફરિયાદોનું બે દિવસમા નિરાકરણ લાવવામા નહિ આવશે, તો કોંગ્રેસ સ્થાનિક લોકોને સાથે લઇ મનપા કચેરીએ હલ્લાબોલ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

હાલ જે રીતે પાણીની સપાટી ઘટી છે તેને પગલે સિંચાઇ વિભાગ દ્વારા મનપાની માંગણીને ન્યાય આપી 4 હજાર કયુસેક પાણી છોડવામા આવ્યું છે. આવનારા દિવસોમા પાણીમાથી દુર્ગંધ દૂર થઇ જશે તેવું આશ્વાસન મનપા અધિકારી દ્વારા આપવામા આવ્યુ છે.

(4:47 pm IST)