Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાયખડની મહિલા બુટલેગરે પોલીસ કર્મીઓને ધમકાવ્યા

ચૂંટણી બાદ શહેરમાં દારૂના અડ્ડાઓ ધમધમતા : વાયરલ વીડિયો બાદ પોલીસની આબરૂના ધજાગરા ઉઠ્યા પોલીસ કમિશનર સિંઘ આ મામલે તપાસ કરે તેવી વકી

અમદાવાદ,તા. ૨ : લોકસભાની ચૂંટણી આવતાની સાથે જ રાજ્યમાં દારૂ જેવી પ્રવૃતિ પર કડક હાથે પગલા લેવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાની સાથે જ દારૂના અડ્ડાઓ ધમધમવા લાગે છે. અમદાવાદના એક પણ પણ જગ્યાએ દારૂ ન મળતો હોવાનો પોલીસ દાવો કરે છે પરંતુ આ દાવો ખોટો સાબિત થયો છે. પોલીસ હપ્તા લઈ બુટલેગરોને દારૂના અડ્ડાઓ ચલાવવા દે છે, અને આ જ બુટલેગરો પોલીસ પર દાદાગીરી કરે છે. તેનું ઉદાહરણ અમદાવાદના રાયખડ વિસ્તારની મહિલા બુટલેગર પરસીન ઉર્ફે પરસી ક્રિશ્ચિયન અને ગાયકવાડ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો વાઇરલ થયેલા વીડિયો બન્યો છે. વાઇરલ વીડિયોને પગલે પોલીસબેડામાં પણ ભારે ચકચાર મચી છે. તો હવે આ વાઇરલ વીડિયો બાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા સમગ્ર મામલામાં તપાસ અને પગલા લેવાય તેવી શકયતા છે. લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે અમદાવાદમાં અનેક જગ્યાએ દારૂના અડ્ડાઓ ફરીથી ધમધમતા શરૂ થયા છે. બુટલેગરોએ ફરી પોલીસને હપ્તા આપી પોતાના વિસ્તારમાં દારૂના અડ્ડા ફરીથી શરૂ કરી દીધા છે. રાયખડ વિસ્તારમાં આવેલા જયશંકર સુંદરી હોલ પાસે આવેલી કાદરીની ચાલીમાં રહેતી મહિલા બુટલેગર પરસીન અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ વચ્ચે બબાલનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં મહિલા બુટલેગર પરસી પોલીસને બેફામ ગાળો આપતી નજરે પડે છે. આ બુટલેગર પોલીસકર્મીઓને કહે છે કે તમે બધા હપ્તો લેવા કેમ આવો છો. મફતમા ધંધો કરુ છુ તેવું કહ્યું હતું. વરદીમાં રહેલા બે પોલીસકર્મીઓની હાજરીમાં એક શખ્સ લોકોને માલ લેવો હોય તો લઈ લો તેવું કહેતો હતો. અને ત્રણથી ચાર લોકો પોલીસની હાજરીમાં દારૂ લેવા અંદર ગયા હતા. પોલીસકર્મીઓ મુકપ્રેક્ષક બની બધુ જોઈ રહ્યાં હતા. થોડીવારમાં એક શખ્સ ટૂ-વ્હીલર લઈને આવે છે અને પોલીસકર્મી તેની સાથે વાત કરે છે. આ દરમ્યાન પરસી પણ ત્યા આવે છે. ટુ-વ્હીલર પર આવેલા શખ્સને બીજો એક વ્યક્તિ કહે છે કે, ગાડી અહિંયા ઉભી રાખી એટલે ગ્રાહક ગાડી જોઈને ભાગી જ જાય ને. એક ગાડી અહિંયા અને એક ગાડી દૂર ઉભી રાખી તેમ કહ્યું હતું. મહિલા બુટલેગર ત્યા આવીને પોલીસકર્મીને કહે છે કે ત્યારે પોલીસકર્મીઓ પૈસા નથી જોઈતા તેમ કહે છે. મહિલા બુટલેગર ખુલ્લેઆમ પોલીસને કહે છે કે મને કોઈનો ડર નથી. વાઈરલ વીડિયોમાં મહિલા બુટલેગર પોલીસકર્મીઓને જે રીતે ખુલ્લેઆમ ધમકી અને હપ્તો લેવા નહીં આવવાનું અને પોલીસની હાજરમાં જ દારૂ લેવો હોય તો લઈ લો તેવું કહેતા જણાય છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, બુટલેગરો હપ્તા ચૂકવીને પોલીસને કેટલી નમાલી કરી નાંખી છે અને અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલુ રાખવા પૈસા ચૂકવી પોલીસનું મોં દબાવી દે છે. નોંધનીય વાત તો એ છે કે, શહેરમાં બનતી ગુનાખોરી અને દારૂની પ્રવૃતિઓ અટકાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ સક્રિય હોય છે. ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ મહિલા બુટલેગરનો દારૂનો અડ્ડો માત્ર ૫૦૦ મીટર દૂર છે. છતાં પણ ક્રાઈમ બ્રાન્ચ પણ તેની સામે કાર્યવાહી કરી શકી નથી. વાયરલ વીડિયો બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ આ મામલે તપાસ કરશે કે કેમ? તેને લઇને હવે સવાલ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બુટલેગર પરસી સામે પોલીસને ધમકી આપવાનો ગુનો નોંધ્યો હતો. અગાઉ પણ તેની સામે ગુના દાખલ થયા છે. તેમજ આ ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચે પણ અગાઉના ગુનામાં વોન્ટેડ હોવાથી પરસીની ધરપકડ કરી હતી.

(9:10 pm IST)