Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ફાયર સેફ્ટીના અભિપ્રાય અને એનઓસી હવેથી ઓનલાઇન

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની પહેલ : ફાયર વિભાગે ૩૦ હાઇરાઇઝ બિલ્ડિંગને આપેલી નોટિસ

અમદાવાદ,તા. ૨ : અમદાવાદ શહેરમાં અંદાજે ર૮૦૦ હાઇરાઇઝ બિલ્ડિંગ હોઇ તેમાં ૧ર૦૦થી વધુ કોમર્શિયલ અને મિક્સ પ્રકારની બિલ્ડિગ છે તો અન્ય રેસિડેન્સિયલ બિલ્ડિંગ છે. જો કે આ પૈકીની મોટાભાગની બિલ્ડિંગમાં નિયમોનુસારની ફાયર સેફટીનાં ભારે ધાંધિયાં છે. ગયા મહિનાના પ્રારંભમાં પ્રહલાદનગર પાસેના દેવ ઓરમમાં આગની દુર્ઘટના થયા બાદ અમદાવાદમાં ફાયર સેફટીનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ખુદ કમિશનર વિજય નહેરા હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફટીના મામલે ગંભીર બન્યા હોઇ તેમના આદેશથી હવે ફાયર સેફટી સિસ્ટમ બેસાડવા અંગેના અભિપ્રાય અને તે બેસાડ્યા બાદ મેળવવાની થતી એનઓસીની પ્રક્રિયા ઓનલાઇન કરાઇ છે. જેના કારણે ફાયરસેફ્ટીની એનઓસીની પ્રક્રિયા વેગવંતી બનવાની આશા બની છે. સેટેલાઇટ વિસ્તારના પ્રહ્લાદનગર પાસેના દેવ ઓરમ બિલ્ડિંગમાં આગ ફાટી નિકળતાં શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. ફાયર સેફટીની એનઓસીના મામલે ર૦ દુકાન છોડીને આજે પણ મોટાભાગના યુનિટને તંત્રનાં તાળાં લાગ્યાં છે. આ આગની દુર્ઘટના બાદ કમિશનર વિજય નહેરાના આદેશથી ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા શહેરભરના હાઇરાઇઝ બિલ્ડિંગની ચકાસણી હાથ ધરાઇ છે. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ૩૦ હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ અપાઇ છે. જ્યારે બે બિલ્ડિંગને ફાયર સેફટીને લગતા નાના-મોટા સુધારા કરવાની તાકીદ અપાતા તે મુજબ સુધારા કરાયા છે. ખાસ તો હાઇરાઇઝ બિલ્ડિંગના નિર્માણની પહેલાં બિલ્ડિંગની ડિઝાઇન, પ્લાનિંગની પીડીએફ ફાઇલના આધારે તંત્ર દ્વારા ફાયર સેફટી અંગેનો અભિપ્રાય અપાશે. ગત તા.રપ એપ્રિલથી ઓનલાઇન અભિપ્રાય અપાઇ રહ્યો હોઇ અત્યાર સુુધીમાં કુલ ૧૪ અભિપ્રાય અપાયા છે. ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ઓનલાઇન અભિપ્રાય મહંદશે તે જ દિવસે અપાતો હોઇ તેનો કોઇ ચાર્જ વસૂલાતો નથી. આની સાથે સાથે ફાયર સેફટીની એનઓસી ઓનલાઇન પણ મેળવી શકાશે. તંત્રની સત્તાવાર વેબસાઇટ પર આની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. એનઓસીનો ચાર્જ એક હજાર રૂપિયા છે પરંતુ ફાયર સેફટીના ઇન્સ્પેકશનનો ચાર્જ જે તે બિલ્ડિંગની ઊંચાઇ મુજબ ચૂકવવો પડશે. ફાયર સેફટીનું ઇન્સ્પેકશન સ્થળ પર ફરજિયાત હોઇ તેના આધારે ઓનલાઇન એનઓસી અપાશે.

ત્રીસ મીટર સુધીની બિલ્ડિંગ માટે પ્રથમ વખતનાં ઇન્સ્પેકશનના રૂ.૮૦૦૦ અને ત્યારબાદના ઇન્સ્પેકશનના રૂ.૪૦૦૦નો ચાર્જ છે. ત્યારબાદ રૂ.૮૦૦૦થી લઇને મહત્તમ રૂ.રપ૦૦૦નો ચાર્જ છે. આમ તો કમિશનર વિજય નહેરાએ ગત તા.૧ મે, ર૦૧૯થી અભિપ્રાય અને એનઓસી માટે ઓનલાઇન સિસ્ટમનો આદેશ આપ્યો હતો પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા તેનાથી પણ વહેલા એટલે કેતા.રપ એપ્રિલથી અમલવારી શરૂ કર્યાનો દાવો તંત્ર દ્વારા કરાયોછે. ઓનલાઇન સીસ્ટમને લઇ ફાયરસેફ્ટી એનઓસીની પ્રક્રિયા વેગવંતી બને તેવી પણ શકયતા છે.

(9:12 pm IST)