Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

બિટકોઇન : કેતન પટેલની હાઇકોર્ટમાં જામીન અરજી

હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને નોટિસ જારી કરી : ફરિયાદી શૈલેષ ભટ્ટ દ્વારા કેતન પટેલની જામીન અરજીનો વિરોધ :સેશન્સ કોર્ટે કેતન પટેલના જામીન ફગાવ્યા હતા

અમદાવાદ,તા. ૩ : ચકચારભર્યા બિટકોઇન કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા આરોપી એડવોકેટ કેતન પટેલે આખરે ગુજરાત હાઇકોર્ટમાં જામીનઅરજી કરી છે, જેની સુનાવણીમાં હાઇકોર્ટે તપાસનીશ એજન્સી સીઆઇડી ક્રાઇમને નોટિસ જારી કરી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરવામાં આવી છે. જો કે, આરોપી કેતન પટેલ દ્વારા કરાયેલી જામીનઅરજીનો આ કેસના મૂળ ફરિયાદી એવા શૈલેષ ભટ્ટ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. રાજયભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કેસમાં થોડા દિવસ પહેલાં જ આરોપી એડવોકેટ કેતન પટેલની જામીન અરજી અત્રેની સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપી વકીલ કેતન પટેલને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો, જેને પગલે આરોપી એડવોકેટ કેતન પટેલને હવે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવાની ફરજ પડી હતી. એડવોકેટ કેતન પટેલ દ્વારા પોતાને આ કેસમાં ખોટી રીતે સંડોવાયા હોવાનો અને જામીન પર મુકત કરવાનો બચાવ રજૂ કરાયો હતો. જો કે, ફરિયાદી શૈલેષ ભટ્ટ તરફથી આરોપી વકીલ કેતન પટેલની જામીનઅરજીનો વિરોધ કરાયો હતો કે, આરોપી કેતન પટેલની ગુનાની જગ્યાએ હાજરી બોલે છે અને સમગ્ર પ્રકરણમાં તેની સક્રિય સંડોવણી બહાર આવી છે. આરોપી વકીલના મોબાઇલ નંબરની કોલ ડિટેલ્સ જોતાં પણ ગુનાવાળી જગ્યાએ તેનું લોકેશન બતાવે છે. આ કેસના અન્ય સાહેદો સાથે આરોપી વકીલ કેતન પટેલે પોતાના મોબાઇલ નંબર પરથી રૂ.૩૨ કરોડના હવાલા સંદર્ભે કરવામાં આવેલ વાતચીત પણ સીડીઆરમાં સ્પષ્ટ થઇ છે. આરોપી કેતન પટેલની ઓળખ પરેડ દરમ્યાન ફરિયાદી દ્વારા ઓળખી બતાવાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદીનું જે સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું તે નિધિ પેટ્રોલપંપ અને રાજધાની હોટલના સીસીટીવી ફુટેજ પણ કબ્જે કરાયા છે, જેમાં આરોપી કેતન પટેલની હાજરી હોવાનું સામે આવ્યું છે. આરોપી વકીલ કેતન પટેલ દ્વારા ઉપયોગમાં લેવાયેલી એલેન્ટ્રા કાર પણ તપાસનીશ એજન્સીએ જપ્ત કરી છે. તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે, ફરિયાદી પાસેથી પડાવવાના થતા બિટકોઇનની વાત કેતન પટેલ લઇ આવ્યા હતા. ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે તેવા સમયે જો આરોપી વકીલ કેતન પટેલને જામીન આપવામાં આવે તો કેસના સાક્ષીઓ અને પુરાવા સાથે ચેડા થવાની શકયતા સહેજપણ નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં કોર્ટે આરોપી વકીલ કેતન પટેલના જામીન ફગાવી દેવા જોઇએ. કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે સીઆઇડી ક્રાઇમને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.

(7:37 pm IST)