Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

નર્મદા જિલ્લામાંથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના આયોજનને ચાલુ વર્ષે બંધ રાખવા તંત્રનો નિર્ણય

નર્મદા જિલ્લામાં કોરોના કેસો વધતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોવીડ-૧૯ ના સંક્રમણને રોકવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે . નર્મદા જિલ્લામાં દર વર્ષે ફાગણ વદ અમાસથી નાંદોદ તાલુકાના રામપરા ( માંગરોલ ) ગામથી શહેરાવ નર્મદા કિનારા સુધી “ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં શરૂ થાય છે અને ચૈત્ર વદ અમાસના રોજ પરિક્રમાની પૂર્ણાહુતી થાય છે . ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાતા હોય છે . અન્ય પડોશના રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ વગેરેમાંથી પણ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આ પરિક્રમામાં ભાગ લે છે.જુદા જુદા આશ્રમો,સેવાભાવી સંસ્થાઓ,વ્યક્તિઓ દ્વારા પરિક્રમા ના માર્ગ ઉપર યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ આપવામાં આવતી હોય છે.આ સ્થળો પર પણ લોકોના એકત્રિત થવાના કારણે કોરોના વાયરસનો ફેલાવો વધવાની શક્યતા રહેલી હોય છે.નર્મદા જિલ્લામાં કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિ જોતાં તથા કોરોના વાયરસના સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે “ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના આયોજનને ચાલુ વર્ષે બંધ રાખવા તંત્ર દ્વારા નિર્ણય લેવાયેલ છે.

(10:02 pm IST)