Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દાહોદ : રમતાં રમતાં કૂવામાં પડી જતાં ત્રણ બહેનોના મોત

કોરોનાના કહેર વચ્ચે ગ્રામ્ય પંથકની કરૂણ ઘટના : એકસાથે ત્રણેય બહેનોના કૂવામાં પડી જવાથી મોતને લઇ પરિવારમાં વજ્રાઘાત સાથે શોકનો માતમ છવાયો

અમદાવાદ,તા. ૩ : દાહોદના દેવગઢબારીયા તાલુકાના અભલોડ ગામે એક જ પરિવારની ૩ પુત્રીઓ રમતાં રમતાં સ્થાનિક કૂવામાં પડી જતાં ત્રણેય બહેનોના કરૂણ મોતની ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે ત્રણેય બહેનોના મૃતદેહો બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા અને સમગ્ર મામલે વધુુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદના દેવગઢબારીયા તાલુકાના અભલોડ ગામે એક જ પરિવારની મનીષા ,સેજલ તથા રાધા લુહાર નામની ૩ બહેનો ઘરની બહાર કૂૂવા પાસે રમી રહી હતી ત્યારે અચાનક રમતા રમતા કુવામા પડી જતા ત્રણેય બહેનોના કરૂણ મોત નીપજયા હતા. એકસાથે ત્રણેય બહેનોના કૂવામાં પડી જવાથી મોતને લઇ પરિવારમાં વજ્રાઘાત સાથે શોકનો માતમ છવાયો હતો તો સમગ્ર પંથકમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને ત્રણેય બહેનોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી.

એક જ પરિવારની ૩ પુત્રીઓના સાથે મોત થતા અભલોડ ગામમાં માતમ છવાયો હતો. હાલમાં કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે લોકો ઘરમાં પૂરાયેલા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં ઘટેલી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. આ કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(9:42 pm IST)