Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

જીવન જરૂરી ચીજોનો પૂરતો પુરવઠો છે, પુરવઠા ખાતાએ ૩ર લાખ ફુડ પેકેટ આપ્યા

ખાદ્યચીજો બાબતે કોઇ ફરીયાદ આવે તો ચોક્કસ તપાસ કરાશે : અશ્વિનીકુમાર

ગાંધીનગર, તા. ૩ : આજે સ્વણિમ સંકુલ ખાતે રાજયમાં નાગરિક પુરવઠાની પરિસ્થિતિ અંગે માહિતી આપતા મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજયમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે રાજયમાં નાગરિક પુરવઠા બાબતે કોઇ મોટી ફરીયાદો મળી નથી. રાજય સરકારના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ આયોજનના ભાગરૂપે દરેક જિલ્લામાં ખાદ્યચીજ વસ્તુઓ મળી રહે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજયના રેશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં ખાદ્ય ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. રાજયમાં ફળફળાદીમાં કોઇ તકલીફ નથી. રાજયના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે.

રાજય સરકારના નાગરિક પુરવઠા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૩ર લાખ જેટલા ફુડ પેકેટો પહોંચાડવામાં આવ્યા છે. રાજયમાં ખાદ્યચીજો માટે કોઇ તકલીફ નથી આમ છતાં જયાં જરૂરી ફરીયાદ મળશે તો ચોક્કસ તેના પર ધ્યાન આપી ચકાસણી કરી ત્વરીત નિર્ણય કરવામાં આવશે.

(4:22 pm IST)