Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

પુત્રનો જન્મ થયાના સમાચાર બાદ, પુત્રનું મ્હો જોવા દોડી જવાના બદલે ફરજ બજાવવાને પ્રાધાન્ય આપ્યું

પત્નિની સંભાળ રાખવા માટે ૭ વર્ષનો નાનો પુત્ર જ છે : પીએસઆઈ એ.એન. પ્રજાપતિ રજા રાખવાના બદલે જોમજુસ્સાથી સતત કાર્યરતઃ અનુકરણીય દ્રષ્ટાંત

રાજકોટ, તા. ૩ :. કોરોના વાયરસ જેવી ભયવાહી પરિસ્થિતિમાં કોઈના જાન ન જાય, કોઈના લાડકવાયા ન છીનવાઈ કે કોઈના પરિવારના મોભી ન જાય તે માટે જાનના જોખમે પરિવારની પરવાહ કર્યા વગર ફરજ બજાવતા પોલીસ સ્ટાફનું વધુ એક અનુકરણીય દ્રષ્ટાંત પણ જાણવા જેવુ છે. પશ્ચિમ કચ્છના જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ મુંદરા મરીન પોલીસ સ્ટેશનની ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પીએસઆઈ એ.એન. પ્રજાપતિના ઘેર (વડોદરામાં) પારણુ બંધાયુ તેમને ત્યાં દિકરાનો જન્મ થયો આવા આનંદના સમાચાર આવે ત્યારે સ્વભાવિક રીતે દોડીને પુત્રનું મ્હો જોવાનો હરખ દરેક પિતાને હોય છે, પરંતુ રામનવમીના પવિત્ર દિવસે પુત્ર જન્મની વધામણી માટે ઘેર જવાના બદલે તેઓએ ફરજને પ્રાધાન્ય આપ્યું.

એ જાણીને આશ્ચર્ય થશે કે આ કર્તવ્યનિષ્ઠ પીએસઆઈના પિતાશ્રી ૨૦ વર્ષ પહેલા અને માતા ૫ વર્ષ પહેલા જ અવસાન પામ્યા છે. તેમના પત્નિની સારસંભાળ રાખવા માટે ફકત ૭ વર્ષનો પુત્ર જ છે. આમ છતા તેઓએ તમામ બાબતો ગૌણ ગણી પોતાના પરિવાર કરતા અન્ય લોકોનો જીવ બચાવવાનુ યોગ્ય માની એ જ જોમજુસ્સાથી ફરજ બજાવી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓએ તેમની આવી ફરજ નિષ્ઠા બદલ અભિનંદન આપ્યા છે.

(12:24 pm IST)