Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રામનવમીના બન્ને સમય નકોરડા ઉપવાસ કરી ૧૧ કેદીઓએ મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન આપ્યુ

કાળમીંઢ દિવાલો વચ્ચે રહેનાર કેદીઓના દિલમાં પણ માનવતા ભારોભાર ધબકી રહી છેઃ ડો. કે.એલ.એન. રાવ

રાજકોટ, તા. ૩ :. કોરોના વાયરસથી ઉપસ્થિત થયેલ પરિસ્થિતિ સંદર્ભે રોજેરોજનું લઈને જીવનનિર્વાહ કરતા લોકો ભૂખ્યા-તરસ્યા ન રહે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તથા કડકાઈથી કામ લેતા પોલીસ તંત્ર દ્વારા પણ અનાજની કીટો, ભોજન, રહેઠાણ વિગેરેની વ્યવસ્થા જે રીતે થઈ રહી છે તેમા કાળમીંઢ પથ્થરોની દિવાલો વચ્ચે રહેતા અને ક્રૂર મનાતા કેદીઓના દિલમાં પણ એટલી જ માનવતા ધબકી રહ્યાના ઉદાહરણો રોજેરોજ બહાર આવી રહ્યા છે. ગઈકાલે જ સાવરકુંડલાના કાચા કામના એક કેદીએ ૧ લાખ રૂપિયાનુ અનુદાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કર્યા બાદ વધુ ૧૧ કાચાપાકા કામના કેદીઓ દ્વારા ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન આપવાની જાહેરાત કર્યાનું અકિલા સાથેની વાતચીતમાં ગુજરાતના જેલવડા ડો. કે.એલ.એન. રાવે જણાવ્યુ છે.

ડો.કે.એલ.એન. રાવે જણાવેલ કે, અમુક કેદીઓએ તો રામનવમીના દિવસે બન્ને ટાઈમ નકોરડા ઉપવાસ કરી તે ઉપવાસ દ્વારા બચેલા ભોજનના પૈસાની રકમ પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી છે. જેલ સહાયક (સુરેન્દ્રનગર) ઋષિરાજસિંહ સુરે પણ એક માસનો પગાર આપ્યો છે. ગુજરાતની વિવિધ જેલોમાં રામ જન્મોત્સવની ઉજવણી સોશ્યલ ડીસ્ટન્સીંગનુ કડક પાલન કરી આરતી કરવામાં આવી હતી.

કોરોના વાયરસ સંદર્ભે માસ્કની તંગી ધ્યાને લઈ કાળાબજાર કરતા તત્વોના કૃત્યોથી કેદીઓ પણ ચોંકી ઉઠયા હોય તેમ ફકત રૂ. ૧૦માં લોકોને માસ્ક મળે તે માટે રાત-દિવસ જોયા વિના ઉદ્યોગ ધમધમાવેલ. તમામ જેલોમાં સેનીટાઈઝેશન કરવા સાથે જેલ તબીબોને પણ તજજ્ઞો મારફત પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.

(12:23 pm IST)