Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ઘરની બહાર વાતો કરવા ભેગા થયા પાડોશીઃ પોલીસે વાયરસ ફેલાવવાનો ગુનો નોંધ્યો

ઘરની બહાર બેસીને ગપ્પા મારતા પોલીસના ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયા હતા

અમદાવાદ, તા.૩: લોકડાઉન દરમિયાન પોલીસના ઘણા કહેવા છતાં પણ લોકો ઘરમાં નથી રહેતા. કયારેક બહાર આંટો મારવા તો કયારેક સોસાયટીમાં એકઠા થઈને વાતો કરવા બેસી જાય છે. પરંતુ તમારા પાડોશી કે નજીકમાં રહેતા મિત્રો સાથે સોસાયટીમાં એકઠા થઈને વાતો કરવાનું તમને જેલમાં પહોંચાડી શકે છે. શકય છે કે પોલીસ ડ્રોન કેમેરા દ્વારા કોરોના વાયરસને ફેલાતો રોકવા અને લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે કદાચ તમને જ જોઈ રહી હોય. ગાંધીનગરની એક સોસાયટીમાં ચાર પાડોશીઓ વિરુદ્ઘ પોલીસે ગુનો નોંધ્યો છે. આ લોકો મંગળવારે ઘરમાંથી બહાર આવીને વાતો કરી રહ્યા હતા.

સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગાંધીનગરમાં આવેલા ખાંટવાસના ચાર યુવકો ઘરની બહાર બેસીને ગપ્પા મારતા પોલીસના ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, ૨૫ થી ૩૦ વર્ષની ઉંમર વચ્ચેના ચાર લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું અને તેમની સામે એપિડમિક એકટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની લોકલ ટીમ ડ્રોન કેમેરાથી સેકટર ૨૦ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન તેમણે યુવકોને જોયા. આરોપીઓની ઓળખ મહેન્દ્ર ઠાકોર, વિજય ભોજૈયા, સંજય દેવીપુજક અને નરસિંહ ભીલ તરીકે કરવામાં આવી છે, આ ચારેય ખાંટવાસમાં પાડોશીઓ છે.સેકટર-૨૧ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર અમરસિંહ ચૌહાણે જણાવ્યું કે, આ ચારેયે જણાવ્યું કે તેમના ઘરની ઉપર ડ્રોન ઉડતું હોવાથી અને લોકડાઉનની ચર્ચા કરવા માટે તેઓ એકઠા થયા હતા. LCBના પોલીસે જણાવ્યું, બધા આરોપી છેલ્લા બે અઠવાડિયાથી બહાર નહોતા નીકળ્યા. તેમણે જણાવ્યું કે, તેઓ રોજ વાતો કરતા હતા પરંતુ મંગળવારે ડ્રોન કેમેરામાં તેઓ કેદ થઈ ગયા. હવે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

LCB પોલીસ મુજબ, આરોપીઓ પોતાના માથા પર ઉડી રહેલા ડ્રોન કેમેરાને જોઈને ઉત્સુક થયા હતા અને તેની સામે જોઈને જ વાતો કરવા લાગ્યા. આ બાદ તેમને પકડીને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી.

(12:23 pm IST)