Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અફવાખોરો-લાપરવાહ લોકો સામે આકરી કલમો લગાડવા કેન્દ્ર ગૃહસચિવનો આદેશ

આકરી કલમનો ઉપયોગ કરવામાં ભાવનગરના રેન્જ વડા અશોકકુમાર યાદવ તથા રાજકોટ રેન્જ ડીઆઈજી અને જામનગર એસપી મોખરે રહ્યા : ડીઝાસ્ટર મેનેજમેન્ટ કલમનો દંડીકો વિંઝવા ગુજરાત સહિતના દેશભરના ચીફ સેક્રેટરીઓને પત્રઃ કોમી ઉશ્કેરણી ફેલાય તેવી રાજ્યવ્યાપી પોસ્ટની તપાસ અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ સાયબર ક્રાઈમના ડીસીપી-એસઓજીને સુપ્રત કરી

રાજકોટ, તા. ૩ :. ભોપાલ-દિલ્હી સહિત દેશના વિવિધ પ્રાંતોમાં કોરોના વાયરસ જેવી પરિસ્થિતિમાં પોતાના અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર જીવના જોખમે ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ અને પોલીસ તથા ચોક્કસ જગ્યાએ મિડીયા કર્મીઓ પર પણ પથ્થરમારો કરી અયોગ્ય વર્તન કરવાની વધતી ઘટનાઓ તથા સોશ્યલ મીડીયા પર ધર્મને કેન્દ્રમાં રાખી ચોક્કસ ધર્મના લોકો વિશે લોકોમાં ગેરસમજ અને ઉશ્કેરાટ જાગે તેવી સોશ્યલ મીડીયામા વહેતી થયેલી પોસ્ટો સામે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ ગુજરાત સહિત દેશભરના ચીફ સેક્રેટરીઓને ડીઓ લેટર મોકલી આવી પ્રવાહી પરિસ્થિતિમાં બેદરકારીથી વર્તનાર સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમનો ઉપયોગ કરાવી આકરા પગલા લેવા સૂચવ્યુ છે.

અત્રે યાદ રહે કે સોશ્યલ મીડીયામાં ગુજરાતના ચોક્કસ ધર્મના લોકો કોરોના વાયરસ ફેલાય તેવી પ્રવૃતિ કરી રહ્યાના અહેવાલોને પગલે ગુજરાતનું તંત્ર પણ ચોંકી ઉઠયુ છે. અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ ડીજીપી શિવાનંદ ઝા સાથે ચર્ચા કર્યા બાદ સમગ્ર મામલાની તપાસ ટેકનિકલ સર્વેલન્સ મારફત કરાવવા અમદાવાદ એસઓજીને તપાસ સુપ્રત કરી છે.

કોરોના વાયરસ જેવી સ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા લોકોને ગેરકાયદે આશરો આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવા સાથે આવા લોકોને શોધી કાઢવા માટે પ્રથમવાર મોબાઈલ સર્વેલન્સનો ઉપયોગ કરવાની મહત્વની કામગીરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ટેકનિકલ સેલના વડા એવા ડીસીપી રાજદીપસિંહ ઝાલા ટીમને સુપ્રત કરી છે.

અત્રે યાદ રહે કે સોશ્યલ મીડીયામાં લોકોમાં ઉશ્કેરાટ જાગે અને તોફાનો પ્રસરે તેવી ખોટો પોસ્ટો મુકનાર ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાના બે શખ્સો સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમો તથા આ એકટની અન્ય આકરી કલમો હેઠળ સર્વપ્રથમ કાર્યવાહી ગુજરાતમા ભાવનગર રેન્જ ડીઆઈજી અશોકકુમાર યાદવ દ્વારા કરવામાં આવી હતી.

દરમિયાન રાજકોટ રેન્જના ડીઆઈજી સંદીપસિંહ સાથે પરમાર્શ કર્યા બાદ જામનગરના એસપી શરદ સિંઘલે સોશ્યલ મીડીયામાં કોમી તંગદિલી ઉભી થાય તેેવા મેસેજ વહેતા કરનાર જામનગરના ભોયવાડા વિસ્તારના બે શખ્સો સામે પણ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો છે. આમ ગુજરાતમાં આ કલમનો ઉપયોગ કરવામાં અનુક્રમે દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના રેન્જ વડા અશોકકુમાર યાદવ અને જામનગર એસ.પી. સંદીપસિંહ મોખરે રહ્યા છે. રાજ્યભરમાં લાપરવાહીથી વર્તનાર તમામ સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫ તથા આનુશાંગીક કલમો મુજબ કાર્યવાહી કરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ રહ્યાનું ટોચના સૂત્રોએ અકિલાને જણાવ્યુ છે.

(11:21 am IST)