Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભગવાન શ્રી સ્વામિનારાયણનો વૈભવ ગજબનો છે, એમના ઐશ્વર્યો સાગર જેવા અગાધ છે : શા.માધવપ્રિયદાસજી સ્વામી

ફકત સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં ષોડશોપચાર પૂજન, અભિષેક અને મહાઆરતિ સાથે SGVP ગુરુકુલમાં ઉજવાયેલ ભગવાન શ્રીસ્વામિનારાયણ પ્રાગટ્ય મહોત્સવ

અમદાવાદ તા. ૩ ભારતમાં દિવસે દિવસે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે અને  લોકડાઉનને લીધે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઠેર ઠેર ઘરબેઠા  ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે કેવળ સ્થાનિક સંતોની ઉપસ્થિતિમાં, SGVP ગુરુકુલ ખાતે સાદાઇ અને ભક્તિસભર ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો

    શરુઆતમાં માધવપ્રિચદાસજી સ્વામીના હસ્તે ઘનશ્યમ મહારાજની મહાઆરતિ  ઉતાર્યા બાદ ઠાકોરજીનું   ષોડશોપચાર પૂજન અને અભિષેક કરવામાં આવેલ.

    આ પ્રસંગે સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે હજારો વર્ષ પૂર્વે ભગવાન વેદ વ્યાસે ભાગવત અને સ્કંદપુરાણના વાસુદેવ માહાત્મ્યમાં ભવિષ્ય વાણી ઉચ્ચારી હતી કે કળિયુગમાં ખૂબ પાખંડ વધશે ત્યારે પાંખડનો નાશ કરવા માટે અને ભાગવત ધર્મના સ્થાપન માટે ધર્મદેવ અને ભકિતમાતાને ત્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થશે.

    તે પ્રમાણે આજે અાપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના ૨૩૯ પ્રાગટ્ય દિનની ઉજવણી કરી રહ્યા છીએ  ખરેખર ભગવાન શ્રી સ્વામિનારાયણનો વૈભવ ગજબનો છે. એમના ઐશ્વર્યો સાગર જેવા અગાધ છે. ખરેખર ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેના સંતોના વૈભવનો પાર પામી શકાય નહી.

    એમનું સમાધિ પ્રકરણ પણ ગજબનું હતું. મોટા કવિઓ, યોગીઓ, મહંતો, જાગીરદારો અને મોટા મોટા રાજાઓ પણ ભગવાન શ્રીસ્વામિનારાયણની સાથે ભેખ લઇને ફરતા.

     ભગવાન શ્રી સ્વામિનારાયણની કંઠી કામણગારી છે એ ધારણ કરે એના જીવન પંચવર્તમાન રુપી સદાચારની સુગંધથી મહેકી ઉઠે છે. વ્યસનોથી મુકત્ થાય છે, આર્થિક રીતે સદ્ધર થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયયણના સત્સંગીને રોટી, કપડાં અને મકાનની ચિંતા હોતી નથી. કંઠી ધારણ કરનાર હરિભકત આલોકમાં ને પરલોકમાં સુખી થાય છે અને અંતકાળે ભગવાન તેડવા આવે છે.

    ભગવાન એક રુપે જ અવતરે એવું નથી ક્યારેક તેઓ અનેક રુપે અનેકમાં રહીને કાર્ય કરેછે. આજે કોરોનાની મહામારીથી રક્ષા કરવા માટે ભગવાન શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ ડોક્ટરો, નર્સો, સરકારી અધિકારીઓ, પોલિસ કર્મીઓ અને સેવા ભાવી કાર્યકરોમાં રહીને સર્વની સેવા કરે છે. એ સર્વેને આપણે હ્રદયથી વંદન કરીએ એમને સહયોગ આપીએ.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણી તેમજ નીતિનભાઇ પટેલ તથા આપણાં ભારતના વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઇ મોદી સતત ચિંતિત અને  પ્રયત્નશીલ છે. તેઓ જે કાઁઇ સૂયન કરે તે સ્વીકારી, હિંમત રાખી,   કોરાના મહામારીનો જલ્દી નાશ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ.

(2:18 pm IST)