Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

વોટ્સએપ પર ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ કરનારા બે યુવકોને નવસારી પોલીસ ઝડપ્યા

ચોક્કસ સમાજ સમુદાયની લાગણી દુભાય તે રીતે કોરોના વાયરસ ફેલાવા અંગેના મેસેજ વાયરલ કરી રહ્યા હતા

નવસારી ;કોરોનાને મુદ્દે કેટલાંક તત્ત્વો ખોટી અફવા ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવા સાથે તંત્રને પણ દોડાવી રહ્યા છે. નવસારી પોલીસે આવા બે યુવકો સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. વોટ્સએપ ગ્રૂપ બનાવી ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ કરતા પોલીસે એક્શન લીધા હતા.

મળતી માહિતી મુજબ નવસારી ટાઉન પોલીસના સબઇન્સ્પેક્ટર એસ.એફ. ગોસ્વામીને બાતમી મળી હતી કે નવસારીના દશેરા ટેકરી વિસ્તારના લોકોએ બનાવેલ વ્હોટ્સએેપ ગ્રૂપ દશેરા ટેકરીમાં બે યુવકો ચોક્કસ સમાજ સમુદાયની લાગણી દુભાય તે રીતે કોરોના વાયરસ ફેલાવા અંગેના મેસેજ વાયરલ કરી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે તપાસ કરતા દશેરા ટેકરી ગ્રૂપના સભ્ય અને કબીલપોર ગામમાં ભારતી ટોકીઝ નજીક રહેતો રતિલાલ પટેલ અને ઉમાકાંત રાઠોડની કરતૂત હોવાનું ખૂલતા પોલીસે ગુનો નોંધી બંનેની અટક કરી હતી. પોલીસે બંનેના મોબાઇલ કબજે લઇ તપાસ કરી હતી. જેમાં તેઓએ જ દશેરા ટેકરી ગ્રૂપમાં ખોટા મેસેજ વાયરલ કર્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે બન્નેના મોબાઇલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

ચોક્કસ સમુદાયને નિશાન બનાવી ખોટા મેસેજ વાયરલ કરનાર રતિલાલ પટેલ પોતાને આદિવાસી નેતા માને છે. સમાજ દ્વારા કોઇ ખાસ નોંધ લેવાતી ન હોવા છતાં દરેક સ્થળે સમાજના પ્રશ્નોની રજૂઆત બાબતે પરાણે આગેવાની લઇ લેવામાં માહેર છે. તે છેતરપિંડીના ગુનામાં જેલની હવા ખાઇ ચૂક્યો છે. સ્થાનિક નેતાનું નામ વટાવી ખાઇ રતિલાલે અગાઉ શિક્ષણ વિભાગમાં નોકરી અપાવવાના નામે બોગસ કોલલેટર પણ બનાવ્યા હતા.

(12:55 am IST)