Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ઉદ્યોગો બેહાલ : અમદાવાદ જિલ્લાની વિવિધ GIDC પૈકી સૌથી વધુ 28 ટકા ઉદ્યોગ વટવા GIDCમાં બંધ

અમદાવાદ જિલ્લાની વિવિધ GIDCમાં કુલ 229 ઉદ્યોગ બંધ થયા: 64 ઉદ્યોગ વટવા GIDCમાં બંધ

અમદાવાદ જિલ્લાની વિવિધ GIDCમાં કુલ 229 ઉદ્યોગ બંધ થઈ ગયા છે, જે પૈકી સૌથી વધુ 64 ઉદ્યોગ વટવા GIDCમાં બંધ થયા છે. અમદાવાદ જિલ્લામાં આવેલી GIDCમાં બંધ થયેલા ઉદ્યોગો પૈકી લગભગ 28 ટકા ઉદ્યોગ વટવા GIDCમાં બંધ થયા છે

31મી ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 64 ઉદ્યોગ વટવા GIDCમાં બંધ થયા છે. ત્યાર બાદ કેરાલા GIDCમાં 37 ઉદ્યોગ, જ્યારે ઓઢવ અને નરોડા GIDCમાં 23 અને 22 ઉદ્યોગ બંધ થયા છે.

આ સિવાય અમદાવાદ જિલ્લાના ધંધુકા GIDCમાં 31 ઉદ્યોગ અને ધોળકા GIDCમાં 30 ઉદ્યોગ બંધ થઈ ગયા છે. અમદાવાદ શહેરની હદમાં આવતા એપેરલ પાર્કમાં 05, જ્યારે બહેરામપુરા GIDCમાં 05 ઉદ્યોગ બંધ થયા છે. રાજ્ય સરકાર દ્વારા જણાવવા આવ્યું હતું કે ઉત્પાદનની માંગમાં ઘટાડો, નાણાંકીય કારણસર અને અંગત બાબતોને લીધે GIDCમાં ઉદ્યોગો બંધ થયા છે.

ગુજરાત સરકાર દ્વારા જણાવવા આવ્યું હતું કે બંધ થયેલા ઉદ્યોગોને ઉગારવા માટે સરકાર કેટલાક પગલાં લઈ રહી છે, જેમાં ગુજરાત આત્મનિર્ભર પેકેજ હેઠળ તબદીલી ફી માં 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય પણ કેટલીક અન્ય બાબતોમાં પણ સરકાર દ્વારા ઉદ્યોગોને ઉગારવા માટે રાહત આપવામાં આવી રહી જણાવવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં આવેલી વિવિધ GIDC પૈકી સૌથી વધુ ઉદ્યોગ અમદાવાદ જિલ્લામાં આવેલી GIDCમાં બંધ થયા છે. દક્ષીણ ગુજરાતમાં વલસાડમાં 192, સુરતમાં 180 અને ભરૂચમાં 178 ઉદ્યોગ બંધ થયા છે. આમ રાજ્યમાં આવેલી કુલ 229 GIDCમાં કુલ 2114 ઉદ્યોગ બંધ થયા છે

(11:02 pm IST)