Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

પેટ્રોલ -ડીઝલ પર વેટની રકમ નહિ ઘટાડાઈ : ગુજરાત કરતા અન્ય 14 રાજ્યોમાં વેટ વધુ : નીતિનભાઈ પટેલ

પેટ્રોલ -ડીઝલ ભાવ પ્રમાણે વેટની આવકમાં વધારો-ઘટાડો થાય છે આવક કેટલી થતી હશે તેનો ફિક્સ આંકડો કહી શકાય નહીં

અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી તથા નાણાંમંત્રી નિતીનભાઈ  પટેલે ગુજરાતમાં પેટ્રોલ- ડિઝલ પરના વેટને લઈ ચર્ચા કરી હતી. તેઓએ જણવ્યું કે ટકાવારીની દ્દષ્ટિએ જોઇએ તો દેશમાં સૌથી ઓછા વેટ ધરાવતાં રાજયો પૈકીના ગુજરાત એક છે. આપણાં કરતાં 14 રાજયોમાં વેટ વધારે વસૂલવામાં આવે છે. પેટ્રોલ ડિઝલ પરનો વેટ ઘટાડવાનો અત્યારે કોઇ કારણ નથી. તેમ જ આ અંગે વિચારણાં કરવી યોગ્ય અને વાજબી નથી.

 બજેટના મુદ્દે યોજાયેલી પત્રકાર પરિષદમાં નિતીનભાઈ  પટેલે જણાવ્યું કે, પેટ્રોલ-ડિઝલના ભાવ નક્કી કરવાનો અધિકાર કંપનીનો છે. વેટ લેવાનો અધિકાર સરકારનો છે. ભાવ ઘટે તો વેટની આવક પણ ઘટે છે. મતલબ કે ભાવ પ્રમાણે વેટની આવકમાં વધારો-ઘટાડો થાય છે. પેટ્રોલ-ડિઝલ પર વેટની આવક કેટલી થતી હશે તેનો ફિક્સ આંકડો કહી શકાય નહીં.

આ સંદર્ભમાં તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, આપણે કુદરતી ઉર્જા પર જવું પડશે. આપણે ઇ મોટર્સ થાય તેવું ઇચ્છીએ છીએ. જેનાથી પર્યાવરણમાં ઘટાડો થવાની સાથે વિદેશી હુંડિયામણ પણ ઘટાડો થશે. માટે જ આપણે ઇ વ્હીકલને પ્રોત્સાહિત કરવા સબસીડી આપીશુ. રાજયની જીએસટીની આવકમાં પાછલા વર્ષની સરખામણીમાં 14 ટકા ગ્રોથ થવો જોઇએ. પરંતુ કોરોનાના કારણે એક સમયે 40 ટકા આવકમાં ઘટાડો થયો હતો. આ સરભર કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી લોનના સ્વરૂપમાં ગ્રાન્ટ આપવામાં આવી છે. 9 હજાર કરોડમાંથી 8,800 કરોડ 17 હપ્તામાં ચુકવાઇ ગયા છે. કેન્દ્ર સરકારની કોરોના સમયે અગમચેતીના કારણે આવકમાં 5 ટકાનો ગ્રોથ થયો છે. આ બજેટમાં આવનારા વર્ષમાં રાજયની કોઇપણ યોજના, વિકાસકામો તથા પ્રજાલક્ષી કામોમાં રુકાવટ નહીં આવે અને આવક વધશે.

વધુમાં તેમણે જણાવ્યું છે કે, રાજયની 15 ટકા વસ્તી 1 કરોડની આદિવાસી સમાજની છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે વનબંધુ યોજનાને આગળ વધારવા માટે વનબંધુ યોજના-2 મૂકવામાં આવી છે. તે જ રીતે ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકિનારાને ધ્યાનમાં લઇને દરિયાખેડૂ -2 પણ અમલમાં મૂકવામાં આવી છે. તે જ રીતે ગુજરાતના 60 લાખ ખેડૂતો પરિવારને અગાઉ યોજના યથાવત રાખવામાં આવી છે. અમૂક યોજનામાં સુધારો કરવમાં આવ્યો છે. આગામી એક વર્ષમાં મોટી રકમ વપરાય તે માટે નાણાં વિભાગ કામકરી રહ્યું છે. ગુજરાતની આવક વધારવા વેટ અને જીએસટીની આવક તરફ યોગ્ય ધ્યાન અપાઇ રહ્યું છે. અન્ય રાજયોમાં ટેક્ષ ઓછો ભરી ગુજરાતમાં માલ ઘુસાડવા અંગે કરેલી રજૂઆતને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર દ્વારા સંસદના બજેટમાં સી ફોર્મ અંગે સુધારા બિલ મૂક્યું છે.

નીતિનભાઈ પટેલે ગુજરાતના ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ઓનલાઇન શિક્ષણ મેળવી શકાયું ન હોવાની કબૂલાત કરતાં ઉમેર્યું હતું કે, કોરોનાના સમયમાં શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું પરંતુ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકશનના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા ન હતા. તે અંગે ધારાસભ્યો તથા સ્થાનિક કક્ષાએથી મળેલી રજૂઆતને ધ્યાનમાં લઇને મોબાઇલ ટાવર ઊભા કરવા માટે 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આંગણવાડીમાં હજારો બાળકો અભ્યાસ કરે છે. તેમને વધુ સારું શિક્ષણ મળી રહે તે માટે પાપા પગલી યોજના છે. જયારે જંબુસર પાસે નવા ઉદ્યોગ પાર્ક તથા રાજકોટ પાસે ડીવાઇસ પાર્ક ઊભા કરાશે.

(9:48 pm IST)
  • રાજકોટમાં ૩૫ ડીગ્રી : રાજકોટ શહેરમાં ગરમીમાં દિનપ્રતિદીન વધારો થઈ રહયો છે : સાંજ સુધીમાં મહતમ તાપમાનમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો સંભવ છે access_time 3:44 pm IST

  • તેલંગણાની પાવર ગ્રીડ ઉપર ચીનનો સાયબર અટેક : તેલંગણા સરકારે કહ્નાં છે કે ચીન દ્વારા તેલંગણાની પાવર ગ્રીડ અને સપ્લાય (વીજ પુરવઠો અને વીજ ગ્રીડ) ઉપર ચીને સાયબર અટેક કર્યો છે જે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે access_time 1:29 pm IST

  • કોરોનાના લીધે વેરામાં કોઈપણ જાતનો વધારો કરવામાં નહિં આવે : ઉર્જામંત્રી સૌરભ પટેલની જાહેરાત access_time 3:44 pm IST