Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

વડોદરામાં સોની પરિવારના 6 સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ: એક બાળકી સહિત ત્રણના મોત

સમા વિસ્તારમાં સામૂહિક આત્મહત્યાની ઘટના: એક બાળકી અને બે પુરુષોના મોત : એક પુરુષ અને બે મહિલાઓને હોસ્પિટલે ખસેડાયા: ઘરના મોભીએ જ 100 નંબર પર પોલીસને ફોન કરીને જાણ કરી: ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાયની દુકાન બંધ થતા આર્થિક સ્થિતી કફોડી બની હતી: પરિવારે મકાન વેચી નાખ્યું હતું

વડોદરા શહેરમાં હમચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના 6 સભ્યોએ સુસાઇડનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 1 બાળકી અને 2 પુરૂષના મોત થયા છે. જ્યારે 1 પુરુષ અને 2 મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘરના મોભીએ જ 100 નંબર પર પોલીસને ફોન કરીને આ જાણ કરી હતી કે આ પ્રકારની ઘટના બની છે

વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામુહિક આપઘાત પ્રયાસ કર્યો છે. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3ના મોત થયા છે જ્યારે 3ની હાલત ગંભીર છે.

સોની પરિવારને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય હતો. દુકાન બંધ થતા આર્થિક સ્થિતી કફોડી બની હતી. પરિવારે મકાન વેચી નાખ્યું હતું બાદમાં મંગળ બજારમાં પ્લાસ્ટિકની દુકાન પણ વેચી નાખી હતી. જોકે પ્રાથમિક તારણ અનુસાર, સમગ્ર પરિવાર આર્થિક ભીંસમાં હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

 

મળતી માહિતી અનુસાર, પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તેમણે સમગ્ર ઘટનાની વિગતો મેળવીને તપાસ હાથ ધરી છે. ઘરના મોભીએ સહિત 6 સભ્યોના આપઘાતના પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં એક નાની બાળકી અને બે પુરૂષોના મોત થયા છે. ઇમરન્જલી 108 ઘટના સ્થળે પહોંચી છે. 3 મૃતકોના મૃતદેહની તપાસ કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવાયા છે. જ્યારે અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા સમગ્ર પરિવારે આ પગલું શા માટે ભર્યું તે અંગે પોલીસ તપાસ શરૂ કરી રહી છે. મૃતકોની પાસેથી દવાની બોટલ મળી આવી છે. જ્યારે આ પરિવારના લોકો દવા ક્યાંથી લાવ્યા હતા, જેવા તમામ પાસા અંગે તપાસ થશે.

  આ ઘટનાથી અન્ય પરિવારજનો, સોસાયટીના લોકો અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. પાડોશીઓના જણાવ્યા અનુસાર, આ પરિવારે દુકાન પણ વેચી નાખી હતી. ત્યારબાદ નોકરી કરતા હતા. પરિવારના સભ્યો નોર્મલ જ રહેતા હતા.

(6:23 pm IST)