Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મુદ્દે રાજ્ય સરકારે કોઇ દરખાસ્ત કરી નથીઃ વિરજીભાઇ ઠુંમરે પૂછેલા પ્રશ્નમાં રાજ્ય સરકારનો જવાબ રજૂ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું 1 માર્ચથી બજેટ સત્ર શરૂ થયુ છે. વિધાનસભા ગૃહમાં સરકારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે લેખિત જવાબ આપ્યો છે. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે સરકારે કોઇ માંગણી કે દરખાસ્ત મોકલી નથી.

વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર દ્વારા અમદાવાદનું નામ કર્ણાવતી કરવા મામલે સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ આપતા સરકારે સ્પષ્ટતા કરી હતી કે, અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા રાજ્ય સરકારે કોઇ દરખાસ્ત કરી નથી.

અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી શહેર રાખવાની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. તાજેતરમાં શહેરમાં આવેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં જ્યારે-જ્યારે પણ ચૂંટણી આવવાની હોય, ત્યારે અવાર નવાર અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ સતત ઉઠતી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અગાઉ અનેક વખત અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની પેરવી કરી ચૂક્યા છે.

1987થી અમદાવાદનું નામ બદલવાની ચર્ચા

1987માં ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તા સંભાળી હતી. તે સમયે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો મુદ્દો ચગ્યો હતો, તે પછી ભાજપના સત્તાધીશોએ વર્ષ 1990ના મે મહિનામાં અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાનો ઠરાવ મંજૂર કરી રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો. AMCના ઠરાવને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી અને તેના સમર્થનમાં 1995માં ઠરાવ કરાયો હતો જેમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વર્ષ 2004માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર હતી, જેને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના ઠરાવને પરત મોકલ્યો હતો. 34 વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ચાલી રહ્યો છે.

(4:44 pm IST)