Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

સામાન્ય માનવીના હિત- કલ્યાણની ચિંતા કરતાં ગુજરાતના રૂ. ૨.૨૭ લાખ કરોડથી વધુના અંદાજપત્રને આવકારતાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી

આગામી પાંચ વર્ષમાં મેન્યુફેકચરીંગ, ફાર્મા, એનર્જી, આઇ.ટી., પ્રવાસન, બંેકિંગ અને સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં ૨૦ લાખ રોજગારીની તકો ઉભી થશે

અમદાવાદ, તા. ૩ : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી-નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આજે વર્ષ ૨૦૨૧-૨૨નું ગુજરાતનું વિકાસલક્ષી અંદાજપત્ર રજૂ કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી છેવાડાના સામાન્ય માનવીના કલ્યાણની ચિંતા કરતાં તેમના હિતને સમાવી લેતાં ગુજરાતના વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજપત્રને આવકાર્યું હતું.

વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં પણ ગુજરાતે તેની ઉત્તમથી સર્વોત્તમ બનવાની અવિતર વિકાસ યાત્રાને વધુને વધુ વેગવંતી બનાવી છે. તેના પરિણામે જ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ૨.૨૭ લાખ કરોડથી વધુનું વિકાસલક્ષી અંદાજપત્ર આપીને આપણા મૂળ મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી પાંચ વર્ષમાં સરકારના વિવિધ વિભાગ, બોર્ડ, કોર્પોરેશન, સંસ્થાઓમાં અંદાજે નવી બે લાખથી વધુ ભરતી કરાશે. આ ઉપરાંત આગામી પાંચ વર્ષમાં મેન્યુફેકચરીંગ, ફાર્મા, એનર્જી, આઇ.ટી., પ્રવાસન, ફૂડ પ્રોસેસિંગ, હોસ્પિટાલિટી, ઇજનેરી, બેકિંગ અને સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં ૨૦ લાખ રોજગારીની તકો ઉભી થશે. 

મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ બજેટ અંગે પ્રતિક્રયા આપતાં કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાયેલા ગુજરાતના અંદાજપત્રમાં કૃષિ, ખેડૂતો અને પશુપાલકો માટે રૂ. ૭,૨૩૨ કરોડની જોગવાઇ, જળ સંપત્તિ માટે કુલ રૂ. ૫,૪૯૪ કરોડ જેમાં આદિજાતિ વિસ્તાર માટે રૂ. ૧,૩૪૯ કરોડ, કલ્પસર માટે રૂ. ૧,૫૦૧ કરોડ, શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. ૩૨,૭૧૯ કરોડ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. ૧૧,૩૨૩ કરોડ ફાળવવામાં આવ્યા છે.

(6:12 pm IST)