Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

હાલ ચૂંટણી યોજાય તો ભાજપને ૧૫૫ બેઠકો મળે

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીને વિધાનસભાની બેઠકો પ્રમાણે જોઇએ તો કોંગ્રેસના સુપડા સાફ થઇ જાયઃ ભાજપને બખ્‍ખે બખ્‍ખા : પરિણામો બાદ રૂપાણી-પાટીલ-પટેલની જોડી મજબુત બનીઃ જો કે ભાજપનો લક્ષ્યાંક તમામ ૧૮૨ બેઠકો જીતવાનો છે

નવી દિલ્‍હી, તા.૩: ૨૦૨૨ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પડઘો પાડનારી સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા છે. આ સ્‍થિતિને વિધાનસભાની બેઠકો પ્રમાણે જોઈએ તો ભાજપનો વર્તમાન ૧૧૧ ધારાસભ્‍યોનો સ્‍કોર વધીને ૧૫૫ થઈ ગયો છે. જો કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે આ સંખ્‍યા ૧૭૫ જેટલો હતો. સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીના પરિણામોથી હવે સીએમ રૂપાણી, સીઆર પાટીલ અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલની જોડી વધુ મજબૂત બની છે. હવે ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીઓમાં ભાજપનો લક્ષ્યાંક તમામ ૧૮૨ બેઠકો જીતવાનો છે.

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીઓમાં ભાજપના વિજયથી સંતોષ સાથે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, આ પરિણામોથી ૨૦૨૨ વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીના ભવ્‍ય વિજયનો પાયો નખાયો છે. ભાજપના અનેક ધારાસભ્‍યો મોટી સંખ્‍યામા જીતશે એ નિヘતિ છે, અત્‍યાર સુધી એવી અટકળો ચાલતી હતી કે, શહેરોમાં તો ભાજપ જીતે છે, ગામડાઓમાં જો જો શું થાય છે એ પણ આ પરિણામોએ સ્‍પષ્ટ કરી દીધું છે કે, મહાનગરો કરતા પણ મોટી સંખ્‍યામાં ગામડામાં જનતાએ ભાજપ, પીએમ મોદી અને અમિતભાઈના ભાજપની સરકારમાં વિશ્વાસ મુકીને મત આપ્‍યા છે.

૩૧ જિલ્લા, ૨૩૧ તાલુકા અને ૮૧ નગરપાલિકા એટલે કે રાજયના ૭૦ ટકાથી વધૂ ભૂભાગને આવરી લેતા વિસ્‍તારના ૩ કરોડથી વધુ મતદારોના મૂડને દર્શાવતી સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં સરેરાશ ૬૩ ટકા મતદાન થયું હતું. રાજયમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપે સપાટો બોલાવી દીધો છે. સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. ભાજપે તમામ ૩૧ જિલ્લા પંચાયતો જીતી લીધી છે, જયારે ૮૧ નગરપાલિકામાંથી ૭૫ અને ૩૨૧ તાલુકા પંચાયતોમાંથી ૧૯૬માં ભાજપે જીત મેળવી છે.

ભાજપ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્‍યું હતું કે, ૨૦૧૫ના સ્‍થાનિક ચૂંટણીઓમાં થયેલા નુકસાનનો બદલો વ્‍યાજ સાથે લઈ મતદારોએ ભાજપને વિજય અપાવ્‍યો છે. પીએમ મોદીએ ગુજરાતના સીએમ તરીકે રહી કરેલી માવજતને કારણે જનતા એમના અને ભાજપ પ્રત્‍યે સમર્પિત રહી છે એ આ પરિણામો પરથી સ્‍પષ્ટ થાય છે.

ગુજરાતમાં ભાજપના નેતૃત્‍વએ કોરોના કાળમાં ઓચિંતા જ નવા પ્રમુખ પદે સી આર પાટીલને જવાબદારી સોંપી હતી. પીએમ મોદીના વિશ્વાસુ તરીકે છાપ ધરાવતા પાટીલે તાબડતોડ સુષુપ્ત થયેલા સંગઠનને સક્રિય કરવા માટે રાજયભરનો પ્રવાસ ખેડ્‍યો. ચૂંટણીમાં ઉંમરલાયક, નેતાઓના સગાઓને ટિકિટ નહીં આપવાના આકરા નિર્ણયની કાર્યકરોમાં સકારાત્‍મક અસર થઈ અને સાથે પેજ કમિટી, પેજ પ્રમુખોને એમણે બ્રહ્માષા હથિયારનું નામ આપી નિરુત્‍સાહ કાર્યકરોમાં નવું જોમ ભરી દીધું હતું. આનું પરિણામ આઠ પેટાચૂંટણી અને સ્‍થાનિક ચૂંટણીમાં જોવા મળ્‍યું છે.

(11:48 am IST)