Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

શિક્ષિકાના પર્સમાંથી દાગીના સહિત ૬.૮૩ લાખની ચોરી

ગીતામંદિર એસટી સ્ટેન્ડ ખાતે બનાવ બન્યોઃ ભત્રીજીના લગ્ન હોવાથી શિક્ષિકા પતિની સાથે લુણાવાડા જઇ રહ્યા હતા ત્યારે બસમાં બેસતી વખતે બનેલો બનાવ

અમદાવાદ,તા. ૩, લગ્નસરાની મોસમ હોઇ ભત્રીજીના લગ્નમાં જઇ રહેલ અમરેલીના એક દંપતિને તહેવાર ટાણે જ મોટો આર્થિક ફટકો વાગ્યો હતો. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે શિક્ષિકા અને તેમના પતિ અમદાવાદ આવ્યા હતા અને બીજી બસમાં બેસીને લુણાવાડા જવાનું વિચારતાં હતા ત્યાં, બસમાં બેસતી વખતે ધક્કામુક્કી અને ગીરદી સાથે ઉમટેલી ભીડનો ફાયદો ઉઠાવી કોઇ ગઠિયાએ આ શિક્ષિકાના પર્સમાંથી સોનાના દાગીના, રૃ.૭૫ હજાર રોકડા સહિત રૃ. ૬.૮૩ લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટયો હતો. શિક્ષિકાને બસમાં બેઠા બાદ પર્સ જોતાં ચોરીની ખબર પડતાં તેમણે તાત્કાલિક આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલ કલ્યાણ સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતાં જાગૃતિબહેન પટેલ તેમના પતિ દિનેશભાઇ સાથે હોળીના દિવસે વહેલી પરોઢે અમદાવાદ આવ્યા હતા., ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા તેઓને લુણાવાડા જવાનું હતુ, તેથી તેઓ બીજી બસની રાહ જોતાં પ્લેટફોેર્મ નંબર-૧૭ પર ઉભા હતા. એ દરમ્યાન અમદાવાદથી ઝાલોદ રૃટની બસ આવતાં પેસેન્જરોની ભીડ ઉમટી પડી હતી, પતિ દિનેશભાઇ ધક્કમુક્કી કરીને જગ્યા રોકવા પહેલા બસમાં બેસી ગયા હતા, જાગૃતિબહેન પણ પાછળથી ગમે તેમ કરીને બસમાં બેસવામાં સફળ રહ્યા હતા પરંતુ બસમાં બેસતાની સાથે જ તેમની નજર તેમના પર્સ પર ગઇ તો પર્સની ચેઇન ખુલ્લી હતી. જાગૃતિબહેને તરત જ પર્સમાં જોયું તો, પર્સમાંથી સોના-ચાંદીના દાગીના, રૃ.૭૫ હજાર રોકડા સહિત રૃ.૬.૮૩ લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલૂમ પડયું હતું. જેથી તેમણે તાત્કાલિક કાગડાપીઠ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી. પોલીસે આ બનાવ અંગે જરૃરી ગુનો નોંધી ઠગ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

(10:50 pm IST)