Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

પર્યાવરણ-વન્યની જાળવણીમાં ગુજરાત આગેવાની લેવા તૈયાર

સાસણગીરમાં વિશ્વ વન્ય જીવન દિવસની ઉજવણીઃ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૃપાણીનું સંબોધન જીવો ઔર જીને દોના સુત્રને સાર્થક કરવા સરકાર કટિબદ્ધ

અમદાવાદ,તા.૩, કેન્દ્ર સરકાર દ્વારા સાસણ ખાતે વિશ્વ વાઇલ્ડ લાઇફ ડેની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કહ્યું કે, ગુજરાત વન્યપ્રાણીઓને અભયતાબક્ષી પર્યાવરણ અને વન-પ્રકૃતિની જાળવણીમાં આગેવાની લેવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીએ જીઓ ઓર જીને દોના ભારતીય સંસ્કૃતિના સનાતન સુત્રને સાર્થક કરવા રાજયમાં ચાલતા કરૃણા અભિયાનની ફલશ્રુતીની માહિતી આપી હતી. ગીરમાં સિંહોના સંવર્ધન માટે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૭માં ૪૦ કરોડના પેકેજથી શરૃઆત કરી હતી. રાજ્ય સરકારે એજ દિશામાં આગળ વધી પ્રોજેક્ટ લાયન માટે પુરતા ફંડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રીએ પર્યાવરણ અને પ્રવાસનનો સંતુલીત વિકાસ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. રાજ્ય સરકારની સિંહ સંવર્ધન, જતન અને સંરક્ષણની નીતિ અને લોક સહયોગને લીધે આજે સિંહોની વસ્તી ૬૦૦ આસપાસ પહોંચી છે તેમ જણાવી સિંહ રેસ્કયુ ઓપરેશનમાં મહિલા વન કર્મચારીઓના ફાળાને બિરદાવ્યો હતો. સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે તેમ જણાવી ઈકો ટુરિઝમ પોલીસીની માહિતી આપી હતી. એશિયન સિંહોનું એક માત્ર વતન એવા સાસણ ગીર ખાતે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાના વિશ્વ વન્ય જીવન ઉજવણીનું આયોજન કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે વિષયક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કેન્દ્રના વન અને પર્યાવરણ મંત્રી ડૉ.હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં મંગલ દિપ પ્રગટાવીને સેમીનારને ખુલ્લો મુક્યો હતો. આજે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન વન વિભાગના અધિક સચિવે કર્યું હતું.

(10:49 pm IST)