Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

ટ્રેનમાંથી યુવકનો મોબાઇલ ખેંચાતા ટ્રેન નીચે કપાઇ ગયો

ટ્રેનના દરવાજામાં બેસી ગેમ રમવાનું ભારે પડયુ : સારવાર દરમ્યાન યુવકનું કરૂણ મોત : રેલ્વે એલસીબી પોલીસ દ્વારા મોબાઇલ લૂંટનાર આરોપીની ધરપકડ

અમદાવાદ,તા.૩ : ટ્રેનના દરવાજામાં બેસી મોબાઇલ સાથે રમત રમતાં લોકો માટે ચેતવા જેવો કિસ્સો શહેરના શાહીબાગ ગિરિધનગર બ્રીજ પાસે બન્યો હતો, જેમાં ટ્રેનના દરવાજામાં બેઠેલા યુવક પોતાનો મોબાઇલ જોવામાં મશગૂલ હતો ત્યારે ટ્રેનની ધીમી ગતિનો લાભ લઇ એક અજાણ્યા શખ્સે યુવકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. યુવાને મોબાઇલ બચાવવાની લ્હાયમાં પ્રતિકાર કરતાં તે નીચે પટકાયો હતો અને ટ્રેનમાં પૈડા નીચે આવી ગયો હતો. યુવકનો ડાબો હાથ અને પગ કપાઇ ગયા હતા, સારવાર દરમ્યાન તેનું હોસ્પિટલમાં કરૂણ મોત નીપજયું હતું. મરનાર યુવકના મિત્રની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી શખ્સ આલમુદ્દીન ઉર્ફે લાલો અસલમભાઇ અન્સારીની ધરપકડ કરી હતી અને તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. ટ્રેનમાં જોખમી રીતે મુસાફરી કરતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સાની વિગતો એવી છે કે, પ્રકાશ રાવત નામનો યુવક વટવા વિસ્તારમાં ચાર માળિયા ખાતે તેના અન્ય મિત્રો સાહિલ, રવિ, મયુર, વિશાલ, સુનીલ સહિત નવ જણાં સાથે રહે છે, આ તમામ લોકો કેટરીંગમાં મજૂરી કામ કરે છે. ગત તા.૧૭-૨-૨૦૧૮ રોજ પ્રકાશ અને તેના મિત્રો પાલનપુર ખાતે લગ્નમાં કેટરીંગના કામ માટે ગયા હતા. તા.૧૯મીએ અમદાવાદ આવતી ટ્રેનમાં જનરલ ડબામાં તેઓ બેઠા હતા. ત્યારે તેનો મિત્ર સાહિલ ટ્રેનના દરવાજા પાસે બેસી મોબાઇલ પર ગેમ રમી રહ્યો હતો . દરમ્યાન શાહીબાગ ગિરિધનગરબ્રીજ પાસે ટ્રેનની ગતિ ધીમી પડતાં તેનો લાભ લઇ અચાનક આરોપી આલમુદ્દીન અસલમભાઇ અન્સારી ત્યાં આવ્યો હતો અને સાહિલના હાથમાં મોબાઇલ ઝુંટવી નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સાહિલે પોતાનો મોબાઇલ બચાવવાના પ્રયાસમાં પ્રતિકાર કર્યો હતો, એ વખતે તેણે બેલેન્સ ગુમાવતાં ટ્રેનના દરવાજેથી તે નીચે પટકાયો હતો અને સીધો ટ્રેનના પૈડામાં આવી ગયો હતો. આ અકસ્માતમાં સાહિલનો ડાબો હાથ અને પગ કપાઇ ગયા હતા. પ્રકાશ રાવતે તરત જ ટ્રેનની ચેઇન ખેંચી ટ્રેન ઉભી રખાવી હતી અને ગંભીર રીતે ઘાયલ સાહિલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો.

જો કે, ત્રણ દિવસની સારવારના અંતે સાહિલનું કરૂણ મોત નીપજયું હતું. પ્રકાશ રાવતે આ સમગ્ર બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ રેલ્વે એલસીબીની ટીમ આ ગુનાની તપાસ ચલાવી રહી હતી તે દરમ્યાન જ બે દિવસ પહેલાં જ મોબાઇલ ફોનની લૂંટનો એક આરોપી ઝડપાયો હતો, જેની પૂછપરછમાં તેણે ઉપરોકત ગુનો કબૂલ્યો હતો.

આરોપીની ગુનાની કબૂલાતના આધારે પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં કોર્ટે આરોપી આલમુદ્દીન અન્સારીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

(8:10 pm IST)