Gujarati News

Gujarati News

News of Saturday, 3rd March 2018

સુરતમાં ટ્રાફિક પોલીસે લોક કરેલ કારનું ટાયર ચોરી જનાર ગઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત:ઉધના મેઇનરોડ ઉપર સોમનાથ ટી સેન્ટર સામે રસ્તા ઉપર ટ્રાફિકને અડચણરૂપ શેવરોલેટ ક્રુઝને ટ્રાફિક પોલીસે લૉક માર્યું હતું પરંતુ તેનો ચાલક લૉક મારેલું વ્હીલ બદલી લૉક લઇ ચાલ્યો જતાં પોલીસે તેના વિરૃદ્ધ ચોરીનો  ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત શહેર ટ્રાફિક પોલીસ રીજીયન-૩માં ફરજ બજાવતા મહેન્દ્રભાઇ બાબલાભાઇ ગામીતે બુધવારે સાંજે  ઉધના  એસટી બસ ડેપોથી  એ.પી. માર્કેટ ઉધના વચ્ચે સોમનાથ  ટી સેન્ટરની સામે જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ સફેદ રંગની શેવરોલેટ ક્રુઝ કાર (નં. જીજે-૦૫-સીપી- ૭૩૭૦)ને લૉક માર્યું હતું. જો કે, લૉક મારી અડધો કલાક બાદ ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે કારચાલક લૉક મારેલું ટાયર બદલી લૉક લઇ ફરાર થઇ ગયો હતો.

આ અંગે મહેન્દ્રભાઇએ કારચાલક વિરૃદ્ધ ઉધના પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એચ.કે. દરજીએ કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે કારચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

(4:45 pm IST)