Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

રાજપીપળા જનરલ હોસ્પીટલ,નગરપાલિકા,વિજ કંપનીને લગતા પ્રશ્નો મુદ્દે MLA એ સીએમ સહિતના મંત્રીઓને કરી રજૂઆત

જનરલ હોસ્પિટલમાં વર્ગ-૧ તથા તબીબી અધિકારી વર્ગ-૨ ની જગ્યાઓ પૂરવા, નગરપાલિકા સ્ટાફના પેંન્શન મુદ્દે તથા જી.ઇ.બી.માં પાલિકાના બાકી નાણાં મુદ્દે કરી રજૂઆત: ધારાસભ્ય ડો.દર્શનાબેન જિલ્લાના લોકોના હિત માટે બનતા તમામ પ્રયાસો કરી જિલ્લામાં આરોગ્ય બાબતે સૌથી સારી સેવા મળે અને શહેરના વિકાસ બાબતે હંમેશા તત્પર રહે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા જનરલ હોસ્પિટલ માં ઘણા સમયથી તબીબો ની જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને પડતો મુશ્કેલી બાબતે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જિલ્લાના દર્દીઓ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ ને ભલામણ કરી છે

ધારાસભ્યની રજુઆતમાં જણાવ્યા મુજબ રાજપીપલાની જનરલ હોસ્પીટલ નર્મદા જીલ્લાની એક માત્ર આશીર્વાદ રૂપ હોસ્પીટલ છે. જે નર્મદા જીલ્લાની ૯૦ કિ.મી સુધીનાં વિસ્તારને આવરી લે છે.રાજપીપલા જનરલ હોસ્પીટલ નાં દર્દીઓને સારી સારવાર મળી રહે અને અન્ય કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુથી સુપ્રિટેડન્ટ-૧, મુ.જી.ત .અધિકારી-૧, ફીજીશીયન-૧,સર્જન-૧, રેડીયોલોજિસ્ટ -૧, ગાયનેક્લોજીસ્ટ-૪, ફોરેન્સિક એક્સપર્ટ-૧, નેત્રસર્જન-૧, તબીબી અધિકારી-૩ લાંબા સમયથી ખાલી હોય આ જગ્યાઓ સત્વરે ભરીને અહી ડોક્ટર્સ ન હોવાને કારણે પડતી અગવતાઓનું નિરાકરણ આવે તે માટે રજુઆત કરી છે.
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલને રાજપીપલા નગર પાલિકાનાં પ્રશ્નો ને લઇને રજુઆત કરી જેમાં ગુજરાતની ૧૫ નગરપાલિકાઓ સ્ટાફનાં પેંન્શનની ભરપાઇ કરે છે નગરપાલિકા દ્વારા થતો માસિક ૨૮ થી ૩૦ લાખ નો ખર્ચ રાજ્ય સરકારમાં લેવામાં આવે જેથી નગરપાલિકા પરનું ભારણ ઓછું થઇ શકે અને વિકાસની હરોળમાં નગર પાલિકા પોતાનુ યોગદાન આપી શકે. તેમજ ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને કરેલી રજુઆતમાં રાજપીપળા નગર પાલિકાનાં વર્ષોનાં જી.ઇ.બી નાં નાણાં બાકી પડતાં હોય આ વર્ષે પણ તેનું ચુકવણુ કરવાની વાત આવી હોવાથી રૂ. ૧૧ કરોડ જેટલા બાકી પડતા વીજ બીલનાં નાણાં અંગે ઘટતું કરવા નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે રજૂઆત કરતા આવનારા સમય માં આ તકલીફો માંથી છુટકારો મળશે તેમ જણાય રહ્યુ છે.

(11:12 pm IST)