Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

સરકારને ચણા વેચવા પડાપડી : બે દિ'માં ૭૬૦૦૦થી વધુ ખેડૂતોની વિક્રમી નોંધણી

ગયા આખા વર્ષમાં ૧,૪૮,૭૨૨ ખેડૂતોએ નોંધણી કરાવેલ, આ વર્ષે બે જ દિવસમાં આંકડો પોણો લાખને પાર : ૧૬ ફેબ્રુઆરીથી ખરીદી

રાજકોટ તા. ૨ : રાજ્યમાં નાગરિક પુરવઠા નિગમ દ્વારા ગઇકાલથી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ૧૮૮ માર્કેટયાર્ડો અને ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે ઓનલાઇન નોંધણી શરૂ થઇ છે. ગઇકાલથી આજે બપોર સુધીમાં ચણા વેચવા માટે નોંધણી કરાવનારા ખેડૂતોની સંખ્યા પોણો લાખને પાર કરી ગઇ છે. ગુજરાતમાં ગણતરીની કલાકોમાં કોઇ ખેત ઉપજ ટેકાના ભાવે વેચવા માટે આટલી મોટી સંખ્યામાં નામ નોંધાયા હોય તેવું પ્રથમ વખત બન્યું છે.

ગયા વર્ષે ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ ૧,૪૮,૪૨૨ ખેડૂતોએ નોંધણી કરાવેલ. આ વખતે પ્રથમ દિવસ અને આજે બીજા દિવસની બપોર સુધીમાં ૭૬,૪૮૬ ખેડૂતોની નોંધણી થઇ ચૂકી છે. તા. ૧ થી ૧૫ ફેબ્રુઆરી નોંધણીનો સમય છે. તા. ૧૬મીથી રાજ્યના ૧૮૮ કેન્દ્રો પર ખરીદી શરૂ થશે. પ્રત્યેક ખેડૂત પાસેથી કેટલી મર્યાદામાં ચણા ખરીદવા તેનો નિર્ણય સરકાર હવે પછી કરશે. કેન્દ્ર સરકાર ૩.૨૬ લાખ મેટ્રીક ટન ચણા ખરીદવા દેવાની માંગણી સામે ૧.૬૦ લાખ ટનની મંજુરી આપી દીધી છે. વધુ મંજુરી માટે રાજ્ય સરકારના પ્રયાસો ચાલુ છે. એક તરફ સ્થાનિક ચૂંટણીઓનું વાતાવરણ જામ્યું હશે. બીજી તરફ ચણાની ખરીદી ચાલુ હશે. રૂ. ૧૦૨૦ના મણ લેખે ચણા ખરીદાશે.

રાયડો વેચવા માટે અત્યાર સુધીમાં ૬૦૭ અને તુવેર વેચવા માટે ૨૯૬૪૪ ખેડુતોએ નોંધણી કરાવી છે.

(10:12 am IST)