Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

મીરઝાપુરમાંથી કોલ સેન્ટર ઝડપાયુ : ૪ની ધરપકડ થઈ

શહેરમાં ગેરકાયદે કોલ સેન્ટરનો સિલસિલો જારી : અમેરિકન નાગરિકોને લોન અપાવવાની લાલચ આપી જુદા જુદા બહાના હેઠળ લાખો રૂપિયા ખંખેરી લેતા હતા

અમદાવાદ,તા. ૩ : શહેરના મીરઝાપુર વિસ્તારમાં ગેરકાયદે રીતે ચાલતુ વધુ એક કોલ સેન્ટર ક્રાઇમબ્રાંચના સાયબર સેલના અધિકારીઓએ પકડી પાડી તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવાના પ્રકરણમાં ચાર આરોપી યુવકોની ધરપકડ કરી હતી અને ઘટનાસ્થળેથી કોમ્પ્યુટર, મોબાઇલ, મેજિક જેક ડિવાઇસ, બનાવટી દસ્તાવેજો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી હતી કે, આરોપીઓ અમેરિકન નાગરિકોને લોન અપાવવાની લાલચ આપી જુદી જુદી વેરીફિકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફી સહિતના બહાના હેઠળ લાખો રૂપિયાની રકમ ખંખેરી લેતા હતા.

   આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેર ક્રાઇમબ્રાંચના સાયબર સેલના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના મીરઝાપુર વિસ્તારમાં આવેલા ગ્રામ્ય કોર્ટની સામે કામા કોમર્શીયલ સેન્ટરમાં ગેરકાયદે કોલ સેન્ટર ધમધમી રહ્યું છે, તેથી સાયબર સેલના અધિકારીઓએ સ્ટાફ સાથે ભારે ગુપ્તતાપૂર્વક અચાનક જ ઉપરોકત સ્થળે દરોડા પાડયા હતા. દરોડા દરમ્યાન ઘટનાસ્થળેથી આરોપી અબ્દુલ લતીફ અબ્દુલ હબીબ શેખ(ઉ.વ.૩૦)(રહે.લખોટા પોળ, દરિયાપુર), ડેની બાલોટિયા(ઉ.વ.૨૪)(રહે. ચામુંડાનગર, નારણપુરા),  સુનીલ કુમાવત(ઉ.વ.૨૪)(રહે.રામકૃષ્ણનગર, ઘાટલોડિયા)અને આકાશ કનોજિયા(ઉ.વ.૨૧)(રહે.ભાવસાર હોલની બાજુમાં, શાહપુર) ઝડપાઇ ગયા હતા. આરોપીઓની પૂછપરછ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ કોલ સેન્ટર આરોપી અબ્દુલ લતીફ શેખનો કુટુંબી ભાઇ જકી ઉર્ફે રાજુ સીરાઝભાઇ શેખ ચલાવતો હતો.

   પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતનો પણ ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપીઓ અમેરિકન નાગરિકોના લીક ડેટા ગેરકાયદે પેડેડ પ્રોસેસ સ્ક્રિપ્ટના આધારે મેળવી તેઓને મેજિક જેક ડિવાઇસ મારફતે ફોન કરતા હતા અને તેઓને ફોનમાં લોન અપાવવાની લાલચ આપી જુદી જુદી વેરીફિકેશન ફી,   લોન એગ્રીમેન્ટ ફી સહિતના બહાના હેઠળ લાખો રૂપિયાની રકમ ખંખેરી લેતા હતા. આરોપીઓ તેમની જાળમાં ફસાયેલા અમેરિકન નાગરિકોના ડોલર આઇટયુન્સ કાર્ડ અને સ્ટીમકાર્ડના સ્વરૂપમાં નંબર મેળવી પ્રોસેસ કરી પૈસા મેળવી લેતા હતા. લીડ અને આઇટયુન્સ કાર્ડની પ્રોસેસ મુખ્ય આરોપી જકી ઉર્ફે રાજુ શેખ અને હબીબ નામનો શખ્સ કરતા હતા. પોલીસને દરોડા દરમ્યાન કેટલાક બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. સાથે સાથે પોલીસે ઘટનાસ્થળેથી કોમ્પ્યુટર, મોબાઇલ, મેજિક જેક ડિવાઇસ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. સાયબર સેલના અધિકારીઓએ આરોપીઓએ આ ગેરકાયદે કોલ સેન્ટર દ્વારા કેટલા વિદેશી નાગરિકોને છેતર્યા અને અત્યારસુધીમાં કેટલી રકમ ખંખેરી તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.

(7:21 pm IST)