Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

અમદાવાદ : રિવરફ્રન્ટ ખાતે કાલે થી ફલાવર શો શરૂ થશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ફલાવર શોનું ઉદઘાટન થશે : હવે સંજીવની પહાડ સાથે ઉડતા હનુમાન દાદાનું આબેહૂબ સ્કલ્પચર સમગ્ર ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણ બની રહેશે

અમદાવાદ, તા.૩ : અમદાવાદના લાખ્ખો પ્રકૃતીપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ફ્લાવર શો આવતીકાલે તા.૪ થી જાન્યુઆરીથી રિવરફ્રન્ટ  ખાતે જાહેરજનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ ફલાવર શો તા.૧૯ જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. આવતીકાલે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ ફલાવર શોનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સતત આઠમાં વર્ષે આયોજિત કરાયેલો ફ્લાવર શો રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારા ઉપર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં યોજાશે. જેમાં મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદીઓ ખાસ કરીને ફુલ-છોડ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી જનતાને આ વખતના ફલાવર શોમાં અનેક આકર્ષણો જોવા મળે તેવી દુર્લભ તક છે. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે તેમના જીવનની ઝાંખી દર્શાવતા જુદા-જુદા સ્કલ્પચરો ફૂલોથી તૈયાર કરવામાં આવ્યા છે.

         લોકોને ગાંધીજી વિશે માહિતી મળે તેવા હેતુથી આ વખતે વિશેષ આયોજન કરાયું છે. તો, આયુર્વેદિક વનસ્પતિની માહિતી મળી રહે તે માટે સંજીવની પહાડ સાથે ઉડતા હનુમાન દાદાનું આબેહૂબ સ્કલ્પચર આખા ફ્લાવર શોમાં મુખ્ય આકર્ષણનું બની રહેશે. આ સિવાય રમતગમતને પ્રાધાન્યતા આપવા માટે બેડમિન્ટન, ટેનિસ, હોકી, ક્રિકેટ વગેરે ગેમના સાધનોના ૧૦ થી ૧૫ ફૂટ ઊંચા સ્કલ્પચરો હશે.  મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત મચ્છરોની ઉત્પત્તિ તેના લારવા અને બ્રીડિંગ સહિતની જાગૃતિ માટે ૮ ફૂટ ઊંચું મચ્છરનું સ્કલ્પચર ઉભુ કરાયું છે. કુલ ૬૦ સ્કલ્પચર બનાવાયા છે. જેમાં સંખ્યાબંધ ફૂલોથી વિવિધ માછલીઓ બનાવાઈ છે. આકસ્મિક સંજોગોમાં મદદે ઊભા રહેતા ફાયરબ્રિગેડની પણ ઝાંખી બતાવવા માટે બે ફાયર ટેન્કરોને ફૂલોથી સજાવાયા છે. ફ્લાવર શોમાં ૧૦૦ જાતી, ૭૦૦ પ્રજાતીના ૧૦ લાખથી વધુ રોપા હશે, તો દેશની ખ્યાતનામ ૭ નર્સરી અને ૩૫ જેટલા વધુ સ્ટોલ વિવિધ પ્રકારના ૫૦થી વધુ સ્કલ્પચર રહેશે. આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી જુદી-જુદી ૭ થીમ પર સમગ્ર આયોજન રજૂ કરવામાં આવ્યું છે.

             અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડનથી લઇને ઇવેન્ટ સેન્ટર સુધીના વિશાળ વિસ્તારમાં ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ વૃક્ષો, શાકભાજી, બોન્સાઇ, ક્રેક્ટસ અને પામ સહિત ૭૦૦ કરતા વધુ પ્રકારના ફૂલ-છોડના ૧૦ લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત ફ્લાવર શોમાં કૃષિ વિભાગ અંતર્ગત આવતા વિવિધ પેટા વિભાગોના માહિતી પૂરા પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની ૭ જેટલી ખ્યાતનામ નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. તો ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને બાગાયતી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના પણ સ્ટોલ્સ રહેશે. ફ્લાવર શોમાં મુલાકાતીઓના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનતા ફૂલોથી બનાવાયેલા વિવિધ સ્કલ્પચર રહેશે. ઉલ્લેખનીય છે કે, મેગા સિટીમાં યોજાતા ફ્લાવર શોમાં લગભગ ૧૦ લાખ કરતા વધુ લોકો મુલાકાત લેતા હોય છે. શહેરીજનો આ ફ્લાવર શોની આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે લોકોની ભીડને નિયંત્રિત કરવા આ વર્ષે ટીકિટના ભાવમાં ગત વર્ષ કરતા વધારો કરવામાં આવ્યો છે. રૂ.૧૦ ની ટીકીટના રૂ.૨૦ કરવામાં આવ્યા છે. અને શનિવાર-રવિવારે વધી જતી ભીડને કાબુમાં લેવા આ દિવસોમાં ટિકીટના રૂ.૫૦ કરી દેવાયા છે. જ્યારે ૧૨ વર્ષ સુધીના બાળકો તેમજ સિનીયર સિટીઝન માટે પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે. 

(8:36 pm IST)