Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

મોબાઈલ કાર્નિવલ વેળા જ ગઠીયો ચોરી જતા ફરિયાદ

ફલાવર-શોમાં પણ કેટલાકના મોબાઈલ ફોનો ચોરાયા :મ્યુનિ.તંત્રના કર્મચારીનો મોબાઇલ ચોરી

અમદાવાદ, તા.૩ :૩૧ ડિસેમ્બરના રોજ પુરા થયેલા કાંકરિયા કાર્નિવલ દરમિયાન ફરજ બજાવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર કર્મચારીની નજર સામે જ કોઈ ગઠીયો તેમનો મોબાઈલ ફોન ચોરી કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.આ સાથે જ  હાલમાં રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફલાવર-શોમાં પણ અનેક લોકોના મોબાઈલ ફોન ચોરાયા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા ખાતે છેલ્લા દસ વર્ષથી કાર્નિવલનું આયોજન કરવામા આવી રહ્યુ છે.આ કાર્નિવલ સમયે ૨૫૦૦ થી વધુ પોલીસકર્મી અને એસઆરપી અને હોમગાર્ડના જવાનોને ફરજ ઉપર મુકવામા આવ્યા હોવાછતાં ભીડનો લાભ લઈને અનેક ચોરીના નાના-મોટા બનાવો બનવા પામ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા સંસ્કારકેન્દ્ર ખાતે સિનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રિતેશ પટેલ જે સમયે ડીનર ટાઈમમાં ફૂડ સ્ટોલ પર જમવા ગયા એ સમયે અજાણ્યા ગઠીયાએ તેમની નજર ચૂકવીને તેમનો રૃપિયા ૧૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ સેરવી લઈ ફરાર થઈ ગયો હતો.બાદમાં તેમણે અન્ય મોબાઈલથી તેમના મોબાઈલ પર કોલ કરતા ગઠીયાએ ફોન સ્વીચઓફ કરી દીધો હતો.તેમણે મણિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૯ મી જાન્યુઆરી સુધી ચાલનારા ફલાવર શોમાં પણ અનેક મુલાકાતીઓના મોબાઈલ તફડંચી કરી લેવામા આવ્યા હોવાના બનાવ બનવા પામ્યા છે.આ અંગેની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ જતા પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

(8:25 pm IST)