Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

નર્મદા જિલ્લામાં સાંસદ ચૂંટણી સ્પર્ધાના ઉમેદવારો સહિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ કરેલું મતદાન

નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ : સવારથી જ મતદારોમાં મતદાન માટેનો અદમ્ય ઉત્સાહ : મતદાન માટેની લાંબી કતારો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ- ૧૪૮- નાંદોદ (અ.જ.જા.) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે આજે યોજાયેલા મતદાનમાં નાંદોદ બેઠકના ઉમેદવાર ડૉ. દર્શના ચંદુભાઇ દેશમુખ (વસાવા) એ રાજપીપલાની શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલ ખાતે હરેશભાઇ જયંતીભાઇ વસાવા અને હર્ષદભાઇ ચુનીલાલ વસાવાએ સુંદરપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે, સંસદ સભ્ય મનસુખભાઇ વસાવાએ રાજપીપલાની શ્રી રાજેન્દ્ર હાઇસ્કૂલ ખાતેના મતદાન કેન્દ્રો ખાતે તેમના પરિવારના સભ્યો સાથે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ છે.

  મહેશભાઇ સરાદભાઇ વસાવાએ રાજપીપલાની સરકારી માધ્યમિક શાળા ખાતેના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યુ હતુ. તેવી જ રીતે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષ પ્રશાંત સુંબેએ પણ રાજપીપલામાં વડીયા કોલોનીના માર્ગ અને મકાન વિભાગની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતેના ખાસ PWD મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.  
તદ્ઉપરાંત દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર જેરમાબેન સુકલાલ વસાવાએ બાંડીસેરવાણ ગામની શાળા ખાતે,હિતેશકુમાર દેવજીભાઇ વસાવાએ દેડીયાપાડાની પ્રાથમિક કુમાર શાળા ખાતે, ચૈતરભાઇ દામજીભાઇ વસાવા બોગજ ગામની શાળા ખાતે અને બહાદુરસીંગ દેવજીભાઇ વસાવાએ ખુપર-બોરસણ ગામની શાળા ખાતેના મતદાન કેન્દ્રો ખાતે તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યુ હતુ. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ દેડીયાપાડા તાલુકાના ખોડાઆંબા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યુ હતુ.અને રાજપીપળા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે શ્રી રાજેન્દ્ર હાઇસ્કૂલ ખાતેના મતદાન કેન્દ્રો ખાતે મતદાન કર્યું હતું
નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયાએ આજે વડીયા કોલોનીના માર્ગ-મકાન વિભાગની કચેરીના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યા બાદ આ કેન્દ્ર ખાતેના પ્રિસાઇડીંગ ઓફિસર સહિતના તમામ દિવ્યાંગ કર્મચારીઓ સાથે સંવાદ કરી નોંધાયેલા મતદાનની આંકડાકીય જાણકારી મેળવી હતી.  
આજે સવારે રાજપીપલાના શહેરી વિસ્તાર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના મતદાન કેન્દ્રો ખાતે મતદાનનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનના પ્રારંભથી જ મતદારોમાં અદમ્ય ઉત્સાહ મતદાન માટે જણાતો હતો અને સવારથી જ મતદાન કેન્દ્રો ખાતે મતદારોની લાંબી કતારો જોવા મળતી હતી.

(12:27 am IST)