Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વડોદરા નજીક આયુર્વેદિક સીરપ બનાવવાની આડમાં ચાલતી દારૂની ફેક્ટરી પોલીસે રંગે હાથે ઝડપી પાડી

વડોદરા:નજીક સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપ બનાવવાની આડમાં દારૃ બનાવી કાનકસન અને શ્વાસવ નામની બોટલમાં વેચાણ કરવાનું નેટવર્ક શહેર પીસીબીએ ઝડપી પાડી ત્રણ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે નીતિન કોટવાણી જે અગાઉ નકલી સેનિટાઇઝરના કેસમાં પણ ઝડપાયો હતો તે સાંકરદામાં આયુર્વેદિક દવાના નામે દારૃ બનાવીને તેનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પીસીબી દ્વારા સૌપ્રથમ તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમી સાચી લાગતા આજે બપોરે ટીમે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતેના આ પ્લોટમાં દરોડો પાડયો હતો. પ્લોટમાં વિવિધ મશીનરી જણાઇ હતી તેમજ પ્લાસ્ટિકની બોટલો વિવિધ સાઇઝની મળી હતી. આ બોટલોમાં પ્રવાહી ભરવામાં આવતું હતું.

પોલીસે ફેક્ટરીમાં પ્રોડક્શન થતા પ્રવાહીના સેમ્પલ મેળવી એફએસએલનો પ્રાથમિક અભિપ્રાય મેળવતા તે આયુર્વેદિક સિરપ નહી પરંતુ દારૃ જણાયો હતો. આ અંગે ત્યાં હાજર ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમણે કંપનીના માલિક નીતિન કોટવાણી તેમજ ભગત બિશ્નોઇ નામના શખ્સ હોવાનું જાણવા મળ્યું હતું. ફેકટરીની બહાર કોઇપણ પ્રકારનું બોર્ડ જણાયું ન હતું તેમજ આ પ્લોટ ભાડેથી મેળવી તેમાં આયુર્વેદિક સિરપના નામે દારૃનું પ્રોડક્શન થતું હોવાનું જાણવા મળ્યું હતું.

(5:41 pm IST)