Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

સુરતમાં વ્યાજે આપેલ પૈસાની બદલે બે પ્લોટ પચાવી પાડવાના પ્રકરણમાં પોલીસે ફાઇનાન્સરની ધરપકડ કરી

સુરત: વ્યાજે આપેલી 40 લાખ રૂપિયાના બદલામાં જહાંગીરપુરાની પટેલનગર સોસાયટીના બે પ્લોટ બોગસ પાવરના આધારે પચાવી પાડવાના પ્રકરણમાં પોલીસે ફાઇનાન્સરની ધરપકડ કરી છે. જયારે અગાઉ પ્લોટ માલિક વૃધ્ધાની વિધવા પુત્રવધુ અને પૌત્રીની ધરપકડ કરી હતી. જહાંગીરપુરાના પટેલ નગર સોસાયટીના વર્ષ 2010 માં ભાનુબેન ભગવતી પટેલ (ઉ.વ. 66 રહે. નવપરા ફળીયું, સાંધીયર, તા. ઓલપાડ) એ ખરીદેલા બે પ્લોટ ફાઇનાન્સર રણજીતસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ. 41 રહે. એ 28 પટેલ નગર, જહાંગીરપુરા અને મૂળ રાયર, જિ. ભુજ) એ પચાવી પાડયા હતા.

ભાનુબેને રજીસ્ટ્રાર કચેરીમાં તપાસ કરતા જાન્યુઆરી 2018માં પુત્ર રસીકના મૃત્યુ બાદ પિસાદ ગામ ખાતે રહેતી પુત્રવધુ અમિષા અને પૌત્રી રીયાએ 2019માં બોગસ પાવરના આધારે પ્લોટ રણજીતસિંહને વેચી દીધો હતો. ઉલ્લેખનીય છે કે રસીકે 2012માં ફાઇનાન્સર રણજીતસિંહ પાસેથી પ્લોટ ગીરવે મુકી 40 લાખ લીધા હતા તે પરત આપી નહીં શકતા પ્લોટ નામે કરી આપ્યા હતા. આ પ્રકરણમાં મહિના પૂર્વ ફરીયાદ નોંધાતા માતા-પુત્રી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. જો કે પોલીસે જે તે વખતે જ બંનેની ધરપકડ કરી હતી. જયારે ફાઇનાન્સરની આજે ધરપકડ કરી છે. 

(5:37 pm IST)