Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં છાલા ગામે બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 90 હજારના દાગીના ચોરી પલાયન

ગાંધીનગર:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે ચિલોડા પંથકના છાલા ગામે બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ મળી ૯૦ હજારની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.   

શિયાળાની ઠંડી દરમ્યાન ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી જતી હોય છે ત્યારે હાલ તસ્કરો ચિલોડા પંથકના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવી રહયા હોય તેમ લાગી રહયું છે. છાલા ગામે અસુદાદાની દરગાહ પાસે રહેતા યાકુબ મીયાં નાસીરમીયાં ચૌહાણના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. યાકુબમીયાંએ તેમના પુત્ર પુત્રી માટે સરખેજમાં ફલેટ ખરીદયો હતો અને ગત તા.ર૮મીએ બપોરના સમયે તેઓ આ મકાન બંધ કરીને સરખેજ ગયા હતા. દરમ્યાનમાં ગઈકાલે સવારના સમયે તેઓ ઘરે આવ્યા ત્યારે મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો જેથી ઘરમાં જઈ તપાસ કરતાં તિજોરી અને લાકડાના કબાટ પણ ખુલ્લા હતા. જેમાં સરસામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. જેમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના અને દસ હજારની રોકડ મળી ૯૦ હજાર ઉપરાંતની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે ચિલોડા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. એફએસએલ ડોગ સ્કવોડની મદદથી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વધેલી ઘરફોડ ચોરીઓને અટકાવવા માટે પોલીસે પેટ્રોલીંગ વધારવાની પણ ફરજ પડશે.

(5:34 pm IST)