Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

ગુજરાત કોંગ્રેસની કમાન દિપક બાબરીયાને સોંપાશે? : જાહેરાત પહેલા પક્ષમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરેલ

અમદાવાદ, તા.૨: ગુજરાતમાં લાંબા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખનું કોકડું ગુંચવાયેલું છે, મહિનાઓ સુધી મંથન ચાલ્યા બાદ પણ કોઈ ચોક્કસ નામ પર પ્રદેશ પ્રમુખ તરીખે મહોર લાગી નથી.. જોકે પ્રદેશ પ્રમુખ પદ માટે દિપક બાબરીયાનું નામ નક્કી માનવામાં આવે છે. સાથે કોંગ્રેસ દ્વારા વિધાનસભા વિપક્ષ નેતાના નામની પણ જાહેરાત થઈ શકે છે. એવામાં કોંગ્રેસમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

દિપક બાબરીયાનું નામ સામે એક મોટું જુથ વિરોધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે હાઈકમાન્ડ કેવો નિર્ણય કરે છે તેના પર સૌની નજરે રહેલી છે. મહત્વનું છે કે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાનું નામ જાહેર થઈ શકે છે. ત્યારે કાર્યકર્તાઓ પણ દ્રિઘામાં મુકાઈ ગયા છે કે આખરી મોહર કોના નામ પર વાગશે.

મહત્વનું છે કે દોઢેક મહિના પહેલા ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી પદે રાજસ્થાનના મંત્રી ડો.રઘુ શર્માની વરણી કરવામાં આવી હતી. ડો. શર્માના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં નવી સંજીવની ફૂંકાવાની વાતને વેગ મળ્યો હતો. સમગ્ર ગુજરાતની નજર નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેના પર સૌની નજર મંડાયેલી છે. છેલ્લા ૧૫ દિવસથી ટૂંક સમયમાં મળશે નવા પ્રમુખની વાત પણ હવે જૂની થઇ ગઈ છે. ત્યારે વધુ એક વખત ટૂંક સમય પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે તેવા અહેવાલો મળી રહ્યા છે ગઈ કાલે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમ એક ખાનગી ટીવી ચેનલના અહેવાલમાં જણાવાયું છે. તો દિપક બાબરિયાએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાતોનો દોર શરુ કરતા નવા પ્રદેશ પ્રમુખ તરીકે દીપક બાબરીયાનું નામ ફાયનલ હોવાનું મનાઈ રહ્યું છે.

દિલ્હીમાં રઘુ શર્માની રાહુલ ગાંધી સાથે લાંબા સમય સુધી ચાલી બેઠક ચાલી જેમાં કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ પણ ડો.રઘુ શર્માએ દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓની બેઠક બોલાવી હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ગુજરાતના પ્રભારી પદે કેટલાક નામ વહેતા થયા હતા. જેમાં રાજયસભા સાંસદ શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ,જગદીશ ઠાકોર, શૈલેશ પરમાર સહિતના નામ ચર્ચાવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડીસેમ્બરના ત્રીજા સપ્તાહમાં ૧૦ હજાર કરતા વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તો ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી. એટલે પ્રદેશ પ્રમુખનો આ કાંટાળો તાજ બંને ચૂંટણીઓમાં 'કસોટીની એરણે' ચડશે.

(2:41 pm IST)